(એ.આર.એલ),ખેડા,તા.૧૮
ખેડા જિલ્લામાં હિંદુસ્તાન કોકાકોલા પેઢીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ૨૦૨૨માં લીધેલા નમૂનાઓની ચકાસણીમાં ફ્રોઝન ઓરેન્જના ૫૯૫ નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હિંદુસ્તાન કોકાકોલા પેઢીને ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનિય છે કે, હિન્દુસ્તાન કોકાકોલાને ૨૦૨૧માં પણ રૂપિયા ૮ લાખનો દંડ કરવામાં આવ્યો હતો.
ખેડાના ગોબલજ ગામે ખોરાક અને ઔષધ નિયમનની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨માં પાડવામાં આવેલા દરોડા દરમિયાન ફ્રોજન ઓરેન્જ પલ્પના નમુના મિસબ્રાન્ડ જાહેર થતા રૂ.૧૫ લાખના દંડ ફટકારવામાં આવ્યો છે. વિગતો મુજબ ૧૪-૦૬-૨૦૨૨ના રોજ રૂટીન તપાસ દરમિયાન નડિયાદ-ખેડા કચેરીના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા સંયુક્ત પણે રેડ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં આશરે ૮૦૦૦ કિલોગ્રામનો જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ.૧૧ લાખ થાય છે, તે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ હતો.
આ તરફ આ નમૂનો ફુડ એનાલીસ્ટ ભુજને નિયમાનુસાર ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જે બાદમાં ૦૮-૦૮-૨૦૨ના રોજ આ નમૂનો મીસબ્રાન્ડેડ જાહેર કરવામાં આવેલ હતો. જે બાબતે કેસને લગતી તમામ માહિતી મેળવી તા. ૦૪-૧૧-૨૦૨૩ ના રોજ એડ્જ્યુડીકેટીંગ ઓફિસર, ખેડા (નડિયાદ) સમક્ષ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ ૫ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ તરફ તાજેતરમાં એડ્જ્યુડીકેશન ઓફિસર દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા પાંચે ઈસમોને કાયદાની જાગવાઈ મુજબ મહત્તમ દંડ એટલ કે રૂ.૧૫,૦૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે.