જિલ્લાના કઠલાલના ખલાલ પાસે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના કઠવાડા જીઆઇડીસીમાં ફેબ્રિકેશનની કંપનીના માલિકને બીજી કંપની માટે જમીન જરૂર હોવાથી આણંદના રાજુ ઉર્ફે યુસુફ વ્હોરાએ રિટાયર્ડ મામલતદાર તરીકેની ઓળખ આપી હતી. જે બાદ સસ્તા ભાવે સરકારી જમીન આપવાની લાલચ આપી થોડા થોડા કરી રૂપિયા ૧.૧૦ કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલી ઓફીસને તાળા મારી ફરાર થઈ ગયો હતો. જે મામલે કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદ નિકોલમાં રહેતા સંદીપભાઈ દલપતભાઈ પંચાલ કઠવાડા જીઆઇડીસીમાં શ્રી અંબા ઈન્ડસ્ટ્રીઝ નામની ફેબ્રિકેશનની કંપની ધરાવે છે. જ્યાં તેમના મિત્રએ પ્રવિણભાઈને બીજી કંપની નાખવા માટે અન્ય જગ્યાએ જમીન જાઈએ છે તેની વાત કરી હતી. જેથી પ્રવિણભાઈએ યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વ્હોરા સાથે મુલાકાત કરાવી હતી. જેણે પોતાની ઓળખ રિટાયર્ડ મામલતદાર તરીકેની આપી હતી. તેમજ અમદાવાદ ઇસનપુર ખાતે તેની ઓફીસ છે એમ કહી ત્યાં મળવા બોલાવ્યા હતા. જ્યાં એકતાબેન નામની મહિલા પણ મળી હતી.
એક જાહેર નોટિસ બતાવી યુસુફ વ્હોરાએ વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ તેણે ખેડાના કઠલાલ તાલુકાના ખલાલ ગામની સીમમાં આવેલ સરકારી પડતર જમીનના પેપર તથા ૭/૧૨ની નકલ બતાવી હતી. જેથી સંદીપભાઈએ સરકારી જમીન રાખવાની હોવાનું જણાવતા રૂબરૂ લઈ જઈ સર્વે નંબર ૩/અ વાળી ક્ષેત્રફળ ૧૩-૩૪-૩૮ હે.આરે. વાળી પડતર સરકારી જમીન બતાવી હતી. જે બાદ જમીન જંત્રીના અને અધિકારીને વહીવટના રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. તેમજ ત્રણ કોરા વાઉચર પર સહી કરાવી જંત્રીની રકમ ભરી પહોંચ આપી દેવાનું કહ્યું હતું. જે પછી યુસુફ વ્હોરા અને તેના મળતિયાઓએ અલગ અલગ સમયે થોડા થોડા કરી કુલ રૂપિયા ૧,૧૦,૮૧,૨૦૦ પડાવ્યા હતા.ત્યારબાદ યુસુફ વ્હોરાએ અમદાવાદ ખાતેની તેની ઓફીસ બંધ કરી દીધી હતી. તેમજ સંદીપભાઈ કે દલપતભાઈનો ફોન પણ ઉપાડતો નહોતો. જેથી તપાસ કરતા કપડવંજ મામલતદાર કચેરીમાં રૂપિયા ભર્યાના જે ચલણ સંદીપભાઈને આપવામાં આપ્યા હતા તે ખોટા હોવાની માહિતી મળી હતી. જેથી સમગ્ર મામલે સંદીપભાઈ દલપતભાઈ પંચાલે યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસૂલભાઈ વ્હોરા અને એકતાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બાબતે ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કઠલાલ પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદી સંદીપભાઈ દલપતભાઈ પંચાલ જે નિકોલ અમદાવાદના રહેવાસી છે તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર ૨૦૨૦ની સાલમાં એમની સાથે યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વ્હોરા જે આણંદના રહેવાસી છે અને બીજા એકતાબેન, આ બંને લોકોએ ખલાલ ખાતેની જમીનને આ સરકારી જમીન બતાવી, તે જમીન તમારા નામ પર અપાવીશું, સરકારમાં તેના પૈસા ભરવા પડશે આમ કહી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. આ બાબતે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે આ ગુનાની તપાસ ચાલુ છે.