હમણાં દર બીજાં દિવસે છાપામાં છોકરીઓ પર બળાત્કારના સમાચાર આવે છે. આવા સમાચાર પહેલા પણ આવતા, પણ હમણાંના સમાચારોમાં આધાતજનક બાબત એ છે કે છોકરી બિચારી  કાકા, મામા, ભાઈ, બાપની જ વાસનાનો ભોગ બનેલી હોય છે. માનવતાને શરમાવતી આવી ધટના દર બીજા-ત્રીજા દિવસે બને જ છે.
     આપણે ભલે ભ્રમમાં જીવીએ કે ભારત વિકસિત દેશોની દોડમાં સામેલ થઈ ગયું છે. ભલે આપણે રાજકારણમાં પચાસ ટકા સ્ત્રી અનામત રાખીએ. ભલે સ્ત્રી – પુરુષ સમાન છે એવું ગાણું ચલાવ્યે રાખીએ, પણ આ સત્ય નથી. કરોડો ઉદાસ દર્દભરી આંખમાં, લાખો ન જન્મેલી બાળકીઓના નિસાસામાં, હજારો મૃત્યુથી પણ ખરાબ જીવન જીવતી સ્ત્રીઓના મૌન ડુસકામાં નજર કરો તો સત્ય સમજાય જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરાયેલા સર્વે મુજબ ભારતમાં આજે પણ સ્ત્રીઓની સ્થિતિ નર્ક જેવી છે. ભારતમાં સ્ત્રીઓ સલામત નથી. અહીં સ્ત્રીઓને હંમેશા લિંગભેદ, હિંસા અને અસુરક્ષાનો સામનો કરવો પડે છે. મોટાભાગની સ્ત્રીઓ જણાવે છે કે તે તણાવગ્રસ્ત અવસ્થામાં જીવે છે. તેમને પોતાની રીતે શ્ર્વાસ લેવાની પણ મંજૂરી નથી.
        ભારતમાં સ્ત્રીઓના સંધર્ષની શરુઆત થાય છે માતાના ગર્ભથી. દીકરાની આશામાં જીવતા પરિવારજનો બાળકીની હત્યા પણ કરે છે. જો ગર્ભમાં હત્યા ન થઈ શકી તો, જન્મ પછી કેટલા શ્ર્વાસ લઈ શકશે એ નક્કી નથી હોતું. ગામડામાં હજી પણ દીકરીને જન્મતા જ મારી નાખવાની કે ઉકરડે ફેંકી દેવાની ધટના બનતી રહે છે. જન્મ પછી થોડા મોટા થયા ત્યાં તો કેટકેટલી પરિક્ષા પસાર કરવી પડે છે. જાતિય શોષણ, અપહરણ, બળાત્કાર, છેડતી, હેરાનગતિ… કેટકેટલા પડકાર તેની સામે ઊભા જ હોય છે.‌ બઘામાંથી પસાર થઈને લગ્ન કરે ત્યાં પણ દહેજનો દાનવ કે ઘરેલુ હિંસા તેના માટે ઉભા જ હોય છે.
       સ્ત્રી હાઉસ વાઈફ હોય કે વ્યવસાયી… તેને પુરુષના અહમનો સામનો કરવો જ પડે છે. નોકરીના સ્થળે પણ એક જ પોસ્ટ હોવાં છતાં સ્ત્રીને વધુ કામ કરવું પડે છે.. ઘરમાં તો સ્ત્રીઓની પરિસ્થિતિ વધુ ખરાબ છે. પતિનો રોફ અને જોહુકમી સહન કરવાની આદત પડી ગઈ હોય છે.
       ધાર્મિક સ્થળો એ પણ સ્ત્રીઓને સહન કરવું પડે છે. ધર્મની આડમાં સ્ત્રીઓ પર અનેક બંધન નાખવામાં આવે છે. જન્મથી જ તેના પર વિચાર થોપવામા આવે છે કે ઘરની પવિત્રતાનો આધાર સ્ત્રી જ છે. પતિના આયુષ્ય માટે વ્રત – ઉપવાસ તેના પર થોપાય ગયા છે. કમાલની વાત એ છે કે જે પતિથી ગુંગળામણ થતી હોય, છે રોજ મારઝૂડ કરતો હોય, તેની જ લાંબી ઉંમર માટે વ્રત કરવામાં આવે છે. કેટલાક મંદિરોમાં પણ સ્ત્રીને જવા પર પ્રતિબંધ હોય છે.
      બાહ્ય દેખાવથી લાગે કે સ્ત્રીઓ પુરુષોની સહભાગી બની છે, ખભેખભા મેળવીને સાથે ચાલી રહી છે, પણ હકીકતમાં જુની વિચારસરણી જ ચાલે છે. ક્યારેય કોઈ બળાત્કારની ઘટનાનો બચાવ કરતા નેતાઓ કહે છે કે આ બઘું સ્ત્રીઓના કપડાંને કારણે થાય છે. ક્યારેય કોઈ કહે છે કે છોકરીઓએ બહાર ન નીકળવું જોઈએ, મોબાઈલ નં વાપરવો જોઈએ, માથું ઢાંકીને રાખવું જોઈએ… શું આ બઘી દલીલો વ્યાજબી છે ?? સ્ત્રીઓને ઘરમાં પૂરી રાખવાને બદલે પુરુષોને સમજાવી ન શકાય ?? સ્ત્રીઓ પરના બંધન પછાત માનસિકતા નથી ?
    હકીકતમાં પુરુષોએ પોતાની વિચાર સરણી બદલાવવાની જરુર છે. સ્ત્રીઓ માનભેર જીવી શકે તે માટે પ્રયત્નો કરવાની જરૂર છે. નાનપણથી જ છોકરાંઓને સમજાવવું જોઈએ કે છોકરીઓને માન આપો. ઘરના વડીલોએ પણ છોકરા – છોકરીનો ભેદ ભૂલીને બઘાને સમાનતા આપવી જોઈએ.
      વિચારવા જેવું છે કે કેમ સ્ત્રીઓનું જીવન આટલું સંધર્ષમય હોય છે ? કેમ તેણે સંઘે જ અપમાન સહન કરવું પડે છે.. ? કેમ તેને પોતાની રીતે જીવવાનો હક્ક નથી ? શું તેની પોતાની લાગણી નથી ? સ્ત્રી માતા, બહેન, પત્ની, દીકરીની બઘી જ ભૂમિકા બખૂબી નિભાવે છે, બઘાનું ધ્યાન રાખે છે, તો શું પુરુષો તેનું ધ્યાન ન રાખી શકે ? લગ્ન પહેલા માતા-પિતાના અને લગ્ન વિશે સાસરિયાંના બંધનમાં જ કેમ જીવવું પડે છે..?? શું સ્ત્રીઓએ આખી જિંદગી ગુંગળામણમાં જ પસાર કરવાની ??
     સરકાર સ્ત્રીઓને લગતા કેટલાક કાયદા બનાવે છે, પણ તે બઘા કાયદા માત્ર કાગળ પર રહી જાય છે. સ્ત્રી એક ખૂશ્બુ છે… તેને બાંધો નહીં… બસ હવામાં પ્રસરવા દો….