રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ‘ખૂન કા બદલા ખૂન’ માફકની ઘટના સામે આવી છે. પોતાના દિકરાના મર્ડરનો બદલો લેવા પિતાએ અન્ય બે દીકરાઓ તેમજ દીકરાના મિત્ર સાથે મળી સગા સાળાના દીકરાનું પહેલા અપહરણ કર્યું હતું. જે બાદ તેને ગંભીર ઈજા પહોંચાડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા અપહરણનો બનાવ હત્યામાં પલટાયો છે અને આ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.

ઘટના રાજકોટના રૈયાધાર વિસ્તારની છે, જ્યાં મજૂરી કામકાજ કરનારા તેમજ મૃતક શિવરાજના મોટા બાપુ રાજેશ મુછડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે મુજબ ફરિયાદી રાજેશ મુછડીયાનો નાનો ભાઈ ગોવિંદ મુછડીયા તેમજ તેની પત્ની કંચન મુછડીયા હાલ મર્ડર કેસમાં પોપટપરા જેલમાં છે. કારણ કે આઠ મહિના અગાઉ ભાઈ ગોવિંદ મુછડીયાના સગા બનેવી હમીર મેરીયાનો મોટો દીકરો જયદીપ દારૂ પીને અવારનવાર ગોવિંદના ઘરે જતો હતો અને ‘તમારી દીકરી મને ગમે છે, તેની સાથે મારા લગ્ન કરાવી દો’ તેમ કહી ઝઘડો કરતો હતો. જેથી ભાઈ ગોવિંદ તેમજ તેની પત્ની કંચને જયદીપને માર મારતા તેનું મોત નીપજ્યું હતું.

આ બાબતનો ખાર રાખીને ગત ૧૩ મે ૨૦૨૫ના રોજ હમીર મેરીયાએ તેના દીકરા રાહુલ અને ખુશાલ તેમજ તેના મિત્ર રોહિત સાથે મળીને મેટોડા જીઆઇડીસી ખાતેથી શિવરાજને બળજબરીપૂર્વક તેમની ફોર વ્હીલર કારમાં બેસાડ્યો હતો. ત્યારબાદ તેને રાજકોટના નવા રિંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર સામેના મકાનમાં લઈ જઈ છરી, ધોકા સહિતના હથિયારો વડે શરીરના જુદા જુદા ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. જે બાદ શિવરાજને ૧૦૮ મારફતે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ફરિયાદીએ સંપૂર્ણ ઘટનાક્રમ યાદ કરતા જણાવ્યું કે, ૧૩મી તારીખના રોજ હું મારા ઘરે હતો ત્યારે મારા પત્નીના મોબાઈલ નંબર ઉપર મૃતક શિવરાજનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, ‘પપ્પાના સાળાના દીકરા ખુશાલ અને રોહિત સહિતના વ્યક્તિઓ જીઆઇડીસી ખાતે આવ્યા છે અને મને બળજબરીપૂર્વક તેમની ગાડીમાં બેસાડી દીધો છે.’ આટલું કહેતાની સાથે જ કપાઈ ગયો હતો અને ફોન બંધ થઈ ગયો હતો. એકાદ કલાક બાદ શિવરાજના ફોનમાંથી અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, ‘તમારા દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે, તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલીએ છીએ.’ જોકે, અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યાં તેનું મોત નીપજ્યું હતું.

આ સમગ્ર મામલે જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે બુધવારના રોજ બીએનએસની કલમ ૧૩૭(૨), ૧૪૦(૧), ૧૦૯(૧), ૬૧(૨)(છ), ૧૧૮(૨) સહિતની કલમ હેઠળ મૃતકના પિતાના સગા બનેવી હમીર મેરીયા, તેમના દીકરા રાહુલ તથા ખુશાલ મેરીયા તેમજ તેના મિત્ર રોહિત રાખસિયા એમ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તેમજ બનાવ સંદર્ભે કોર્ટમાં હત્યાની કલમનો ઉમેરો કરવા બાબતે રિપોર્ટ કરવામાં આવ્યો છે.