આજના ભૌતિકવાદમાં અનેક પ્રકારની આપત્તિઓ અને તનાવગ્રસ્ત જીવન વ્યતિત કરતા અસંખ્ય માણસો જોવા મળે છે. આવા સમયે વિકટ સંજોગો હોય ત્યારે ખુશ કઈ રીતે રહેવું તે પણ કલા છે. ગુજરાતીમાં એક કહેવત છે લાફો મારીને ગાલ રાતા રાખવા તેના કરતાં આપણા મન અને હૃદયને પ્રફુલ્લિત રાખવા માટે હંમેશા હકારાત્મક વિચારો રાખી ખુશ રહેવું જોઈએ છે. આજે સારું જીવન જીવવા માટે લોકો મેડીટેશન કરે છે. યોગ, પ્રાણાયામ અને હૃદયની એકાત્મક લાગણીને ભાવના સભર રાખવા પ્રયત્ન કરે છે. માણસે જીવનમાં નક્કી રાખવું જોઈએ કે આ જીવન નાશવંત છે, જેનું સર્જન થયું છે તેનું વિસર્જન થવાનું જ છે તો શા માટે પ્રભુએ આપેલો આ જનમ આનંદ અને ઉલ્લાસમાં ના વિતાવીએ? મનને વિચલિત થતું અટકાવવા માટે આત્મબળ મજબૂત હોવું જોઈએ. આપત્તિઓ વચ્ચે અવસર ઉભો કરવો એ સૌથી મોટી કલા છે. સંસારની મોહ અને માયામાં સુખ અને દુઃખ આવવાના છે. એવા સમયે સ્થિતપ્રજ્ઞ રહેવું એ પણ કલા છે. દુનિયાના જેટલા પણ મહાપુરુષો સફળ થયા છે તેની પાછળ તેમણે અપેક્ષા સીમિત કરી નાખી. જેટલી અપેક્ષા વધારે એટલું દુઃખ વધારે. સિદ્ધિ મેળવવા માટે સંકલ્પબદ્ધ કર્મ કરવું જોઈએ. પરંતુ અતિ લોભ તે પાપનું મૂળ છે. જે છે તેને નિજાનંદ સમજી ખુશ રહેવા પ્રયત્ન કરવો જોઈએ. ખુશી હૃદયને સ્વસ્થ રાખે છે. નિરાશાના અંધકારમાં ખુશી દટાઈ જાય છે. નિરાશા એ તો માણસે સ્વીકારી લીધેલી પરિસ્થિતિ છે આશામાં ખુશી અને સફળતા છે.
આજે મોજશોખ, દેખાદેખી બીજા કરતાં હું વધારે સારો છું અથવા સારી છું તે દર્શાવવા માટે બિનજરૂરી પ્રયત્ન કરે છે. ચાદર હોય તેટલા જ પગ પહોળા કરવા જોઈએ નહીં તો ઠંડી લાગે અને મચ્છર કરડે. મરચું ને રોટલો ખાતા હોઈએ પરંતુ તેમાં આનંદ હોવો જોઈએ. આનંદ કોઈ મેડિકલ સ્ટોરમાં મળતો નથી. આનંદ આપણે કેળવવાનો હોય છે. રોડ અને રસ્તા ઉપર ગરીબ લોકો ભીખ માગીને પણ ખુશીથી ખોરાક આરોગતા હોય છે. જ્યારે આપણા ઘેર ગાડી, બંગલા અને તમામ ભૌતિક સગવડ હોય તેમ છતાં આનંદ હોતો નથી. તેનું મૂળ કારણ સ્વભાવ અને અહમ જવાબદાર હોય છે.
પારિવારિક સુખ શાંતિ એટલા માટે નથી આવતા કે ઘરમાં આનંદ હોતો નથી. સ્વભાવમાં અહમ પ્રવેશે ત્યારે ઘરની બરબાદીનું મૂળ કારણ નિર્માણ થાય છે. સમાજમાં ખુશી એટલે નથી કે અહમ ટોચ ઉપર હોય છે. “હું મારી સાસુને શું કામ બોલાવું” આવા અહમમાં ઘરની બરબાદી અને પતિની બીમારી નિર્માણ કરવામાં ઘણી પત્નીઓનો અહમ રોલ હોય છે. આદમીની સેવા કરવા કરતા ઘરમાં રહેલા સાસુ-સસરાની સેવા કરવાથી ખુશીનો માહોલ ઊભો થઈ શકે છે. ગમે તેટલું શિક્ષણ આવે પરંતુ સમજણશક્તિ ના આવે તો તે બધી ડિગ્રીઓ કાગળ છે? આધ્યાત્મિકતા અને સંસ્કાર ઘરના ખુશીના માહોલમાંથી નિર્માણ થાય છે. ત્યાગ અને સમર્પણ આ બે એવા પગ છે જે માનવીને સ્વર્ગની યાત્રા કરાવે છે. આજે તનાવના કારણે અનેક પ્રકારના રોગો નિર્માણ થયા છે. લોકો લાફિંગ ક્લબમાં જાય છે પરંતુ ઘરમાં ‘ઉતરી ગયેલી કઢી’ જેવું મોઢું રાખી જીવતા લોકો અસંખ્ય છે.
હંમેશા ખુશ રહેવા માટે તમારા અંતરાત્મા સાથે જોડાણ કરો.બિનજરૂરી ચર્ચાઓને કાન અને હૃદય સુધી પહોંચવા દેવા નહીં. હંમેશા દરેક ઘરમાં મંથરા અને ઝેરીલી પ્રજા રહેવાની તેવા સમયે સમજણશક્તિ અને ખુશ રહેવાની કલા જીવન જીવવાની સંજીવની અર્પણ કરશે. આજે અનેક સમસ્યાઓનું મૂળ કારણ ખુશ ન રહેવાનું છે. આપણા ચહેરા ઉપર આનંદનો અરીસો હોવો જોઈએ. ‘સ્માઇલિંગ ફેસ’ ખુશીઓનો માહોલ ઉભો કરી શકે છે. શુદ્ધ આહાર અને સાત્વિક વિચારો મનુષ્યના મનને મજબૂત બનાવે છે. માત્ર એકલી આધ્યાત્મિકતાથી શાંતિ નહીં આવે, શાંતિ લાવવા માટે મન અને હૃદયને ખુશ રાખવા પડશે. ખુશી નામનું પવિત્ર ઝરણું હૃદયમાંથી વહેતું હશે તો તમારું જીવન પાણીના પ્રવાહ જેટલું સ્વસ્થ સ્વચ્છ રહેશે. લોભ, કપટ, પ્રપંચ, અહમ અને મૌન ઘણી વખત અનેક પ્રકારની વેદના આપે છે. આવા સમયે સમાજમાં સુખી જીવન જીવવા માટે સંતોષ જરૂરી છે. જરૂરિયાતો જેટલી ઓછી એટલે શાંતિ અને આનંદ વધારે હોય છે. મારા વાચક વર્ગને લેખન સામગ્રી સમર્પિત કરીને ખુશ રાખવા પ્રયત્ન કરું છું. ખુશ રહો અને લાંબુ જીવન જીવો… વંદે માતરમ્‌ ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨