આખો હોલ ચિચિયારી અને કોલાહલથી લથબથ ભરાઇ ગયો. લંકેશ જેવાં વાંગડ તો નાચ ગાને ‘ય કરવાં લાગ્યાં.
ખુશીનો આખેઆખો ખજાનો જોષીસરે ઠાલવી દીધો હતો. કંઈ કેટલાય વખતથી
નત – નવાં પ્રતિબંધોથી કોલેજની ટૂર થઈ નથી. એટલે જામો – કામો- અને જેઠવો ભેગાં થઈ જાહે ઈ વાત પાક્કી હતી.
“શાંતિ.. શાંતિ.. શાંતિ..! જૂઓ.. જંગલમાં જવું છે..? કે..હિલ સ્ટેશન જવું છે..? આ તમારે નક્કી કરવાનું છે. પણ.. આપણે જઈએ છીએ. આ વાત પાક્કી છે.”
સૌએ પોતપોતાનાં ઘરે વાત કરી દીધી.
જેમને અનુકૂળતા હોય એમનાં નામની નોંધણી પણ થવાં માંડી.
સમય સંજોગો અને સંયોગ જોઈને સૌએ જંગલમાં જવાનું નક્કી કર્યું હતું.
સૌ પોતપોતાના મિત્ર સર્કલમા ગોઠવણી કરવાં લાગ્યાં. વિષય અને વસ્તુ એકઠી કરવાં લાગ્યાં.
નયન અને રોશનીએ પણ રજીસ્ટ્રેશન કરાવી લીધું.
લંકેશને જેવી જાણ થઈ કે રોશનીનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. એટલે એણે પણ ફટાફટ નામ નોંધાવી દીધું.
સૌને આ ઘણાં સમયે થતાં પ્રવાસનો આનંદ લૂંટવો હતો. એટલે શોખની વસ્તુની ખરીદી થઇ રહી હતી.
કોઈ ચશ્મા ખરીદે, કોઈ કપડાં, કોઈ સાબુ તો કોઈ શેમ્પૂ.
તો વળી કોઈ ફેશનેબલ હેટ લાવે તો કોઈ કેમેરા.
લંકેશ અને એની ટીમ આમે ‘ય બધી વાતે પૂરી. એને રોટલીથી માંડીને રોજડાં બધું જ ચફાચટ કરી જાય. સાદી સોડાથી માંડીને શેમ્પેઈન બધું જ પી જાય. સિગારેટથી લઈને ચિગાર સુધીની સફર એ કરતાં રહે. એટલે એમની ગોઠવણમાં એ લાગી ગયાં હતાં.
કોલેજ આમતો ભણવાં માટે હોય છે. પણ..! આજકાલ કોલેજમાં શું નથી થઈ રહયું..? એ શોધવું મુશ્કેલ હોય છે.
દારૂકાંડથી ડ્રગકાંડ. આ કોલેજ સહન કરી જાણે. પ્રેમથી શરૂઆત કરી પત્ની આ કોલેજ બનાવી જાણે. તો આકર્ષણથી આક્રોશ પણ નિભાવી લે.
અને છતાંય આજ કોલેજ ડોકટરો.., એન્જિનિયરો.., વકીલો.., અને જજ. પાછી આજ કોલેજ આપી જાણે.
આ કોલેજકાળ ઘણો અટપટો છે. ઘણો ચટપટો છે. અને ઘણો ખટપટો ‘ય છે.
અહીં જીવન જડે’ ય છે અને જીવન ખોવાય પણ છે.
***
એક દિવસ નયન અને રોશની મેઈન ગેઈટથી ચંપા અને મોગરો વચ્ચે સંતાકૂકડી રમતાં રમતાં આવી રહયાં હતાં. મોગરાની મઘમઘતી ડાળખી રોશનીનાં ગુલાબી ગાલ સાથે અડપલાં કરી રહી હતી. રોશની હાથ અડાડીને આઘી કરવાં જાય. ત્યાં બીજી ડાળખી એમને વળગી પડતી.
સવાર સવારમાં ખીલેલાં ગુલાબનાં ફૂલ અને રોશનીનો ચહેરો. કોમળતાંનો ક્રમ આપવો અઘરો થઈ પડે.
ગુલાબમાં તો કાંટા ‘ય હોય. ત્યારે અહીં તો રોશની ખુદ આખેઆખી ગુલાબમય હતી.
ગુલાબી ચહેરો.., ગુલાબી કમનિય કાયા.., ગુલાબની પાંદડી જેવી એમની પાંપણ.
અને વધારેમાં ગુલાબી મખમલી ડ્રેસ.
ઘડીભર નયન પણ શરમાઈ ગયો કે.. આવી અંબરની અપ્સરા સાથે કેમ કરીને ચાલવું..? આવી હુસ્નની પરી સાથે પંથ કેમ કાપવો..? કોલેજમાં હાજર દરેક આંખો એમનાં તરફ જ મંડાયેલી હતી.
એકવાર આંખો એ રસ્તે ચાલે એટલે એ મટકું મારવાનું ‘ય ભૂલી જાય. પગથી લઈને માથા સુધી. બસ..! જોયા જ કરો. જોયા જ કરો. મનભરીને જોયાં કરો છતાંય..! મનનું મકાન ખાલી જ લાગે.
આવા રૂપરૂપનાં અંબાર સમી રોશની સાથે આજે નયન ચાલી
રહયો હતો.
એકમેકનાં અંગો અંદરોઅંદર પ્રેમ આલાપી રહ્યા હતાં. શબ્દો ચાલવાનું ચૂકી જાય. પણ..! અંગો..? એ અડવાનું ના ભૂલે. અડપલાંના આડાઅવળા રસ્તે એ સાંગોપાંગ સફર કરી જાણે.
કેટ – કેટલાં ‘ય હૈયા આજે ઠરીને થીજી ગયાં.
નંદવાઈને ઘાયલની લાઈનમાં ગોઠવાઈ ગયા હતા.
પણ..! લંકેશ જેનું નામ. એમણે આવો મદમસ્ત માહોલ જોઈને ઉપરા છાપરી બે પાંચ સિગારેટ ખેંચી કાઢી.
પ્રવાસ માથે હતો. માથાકૂટ ભારે પડે. સમજણનાં સીંચોડે એ ચડવાં તૈયાર નહોંતી. એટલે હમણાં માલી’ પા હણહણતાં અશ્ચોને લગામ કસવી જરૂરી હતી.
છતાંય એની આંખો આગ ઓકવા લાગી.
એકાદ કલાકમાં કોલેજનાં ગ્રાઉન્ડમાં જબરી હોહા મચી જવા પામી હતી.
પોલીસની ગાડીઓનાં ધાડેધાડાં ઉતરી આવ્યા હતાં. સાઈરનથી આખી કોલેજ કણસવાં લાગી.
કોઈને પણ કાંઈ પણ સમજાઈ નથી રહયું કે.. આખરે મામલો શું છે..? કેમ આજે જ અચાનક જ..! પોલીસની ગાડીઓ દોડી આવી.
દરેકના મનમાં પ્રશ્નોનો આખેઆખો મધપૂડો મંડરાઈ રહયો.
રોશનીનું કાંઈ હશે..?
નયનનું લફરું છાપે ચડયું હશે..?
કોલેજની કાંઈ આંતરિક બાબત હશે..?
કે પછી.. લંકેશે લખણ ઝળકાવ્યાં હશે..??
(ક્રમશઃ)