“અરે ન ફેંકશો! ન ફેંકશો! તમે માટી નાખશો તો હું દટાઈ જઈશ; સૂકાઈ જઈશ.” – પોતાની પર માટી નાખતા વ્યક્તિને અટકાવતાં ખાબોચિયું બોલ્યું.
“અરે! તને તો પૂરી જ દેવાનું છે. રસ્તે આવતાં-જતાં સૌને તું નડે છે. તારામાં પગ પડે એટલે પડી જવાય. તારામાં પગ પડે એટલે કપડાંય બગડે ને શરીર પણ બગડે. તું નકામું છે. તારા પર માટી નાખી તને પૂરી જ દેવાનું છે.” – પેલા ભાઈએ ક્રોધિત અવાજે ખાબોચિયાને કહ્યું.
“પણ મને પૂરતાં પહેલાં એક વખત મારી વાત તો સાંભળો. પછી તમારે જે નિર્ણય કરવો હોય તે કરજો. એવું નથી કે હું બીલકુલ નકામું છું. મારી અંદર અનેક જીવજંતુ આશરો લે છે. અહીં જ પેલાં દેડકાં મારી ઠંડકમાં પડ્યાં રહે છે. તો વળી અબોલ પક્ષીઓ અહીં મારી પાસે આવીને જ પાણી પીએ છે. હું અનેક જીવો માટે ઉપયોગી બની રહું છું. તમે મને પૂરી દેશો તો મારા પર નભતાં આ જીવો નિસાસો નાખશે. ” – ખાબોચિયાએ પોતાની ઉપયોગિતા બતાવતાં કહ્યું.
“ચલ હટ્ટ! તારી કોઈ વાત હું સાંભળવાનો નથી. તું સૌ કોઈને નડે છે. તું કોઈનેય ગમતું નથી. તારી ગંધારી વાસથી સૌને સૂગ ચઢે છે. તારામાં જ પેલાં માખી-મચ્છર જન્મ લે છે; આશરો લે છે. જે અમને માંદા પાડે છે. તું કશાય કામનું નથી.” – એમ કહેતાં ફરી પેલા માણસે ખાબોચિયાને પૂરવાની તૈયારી શરૂ કરી.
એટલામાં બે-ચાર પંખી ઊડતાં ઊડતાં આવી ચડ્યાં ને ખાબોચિયામાંથી પાણી પીવા લાગ્યાં. પંખીને પાણી પીતાં જોઈ ખાબોચિયું હરખાયું. પેલો ભાઈ આ જોતો જ રહ્યો. એટલામાં બે-ચાર દેડકાંએ ડ્રાઉં… ડ્રાઉં… અવાજ કરતાં ખાબોચિયામાંથી બહાર ડોકિયું કર્યું. ખાબોચિયાને પૂરી દેવા મક્કમ પેલો ભાઈ આ બધું વિસ્મયપૂર્વક જોતો રહ્યો. એને મનોમન આ ખાબોચિયાની ઉપયોગિતા સમજાતી જતી હતી.
એ સહેજ ખચકાયો. ખાબોચિયા સામે તાકી રહ્યો. જાણે ખાબોચિયું મરકમરક મલકાતું હતું. એ પણ ખાબોચિયા સામે જોઈ મરકમરક હસ્યો. એનો વિચાર બદલાયો. હવે એને ખાબોચિયું ગમતું હતું. ખાબોચિયામાં માટી નાખવાનું તેણે માંડી વળ્યું. વળી પાછાં દેડકાં ડ્રાઉં… ડ્રાઉં… કરવા લાગ્યાં. આ અવાજ તેને જાણે કંઈ કહી રહ્યો હતો. ખાબોચિયા સામે જોતો-હસતો એણે પોતાનો વિચાર પડતો મૂકી ત્યાંથી પાછો વળ્યો.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭