ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ આરબ દેશોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને ભારતના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.
તે જ સમયે પ્રોફેટ કેસને લઈને ભારતની ૭૦ ખાનગી અને સરકારી વેબસાઇટ્‌સ પર આંતરરાષ્ટ્રીય સાયબર હુમલા થયા છે. હેકર્સે ભારતની એક મોટી બેંકને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.હેકટીવિસ્ટ જૂથ ડ્રેગનફોર્સ મલેશિયા દ્વારા ચલાવવામાં આવેલા સાયબર હુમલાઓએ ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન મેનેજમેન્ટ અને ઈÂન્ડયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના ઈ-પોર્ટલ સાથે ઓનલાઈન પ્લેટફોર્મને નિશાન બનાવ્યું છે. હેકર્સે લગભગ ૭૦ વેબસાઈટ હેક કરી છે. દિલ્હી પબ્લિક સ્કૂલ અને દેશભરની કોલેજોના અન્ય ક્લસ્ટર જેવી મોટી શૈક્ષણિક સંસ્થાઓ પણ આ હુમલાથી બચી શકી ન હતી. એકલા મહારાષ્ટ્રમાં ૫૦થી વધુ વેબસાઈટ પ્રભાવિત જોવા મળી હતી.
ઓડિયો ક્લિપ અને ટેક્સ્ટ દ્વારા હેકર્સના જૂથે સંદેશ મોકલ્યો છે કે, તમારા માટે તમારો ધર્મ છે અને મારા માટે મારો ધર્મ છે. એક અહેવાલ મુજબ ૮ થી ૧૨ જૂનની વચ્ચે ભારતની સરકારી સાઈટ તેમજ ખાનગી પોર્ટલ ખોરવાઈ ગયા હતા. સુરક્ષા નિષ્ણાતોએ સૂચવ્યું કે ૧૩૦૦ સભ્યો ધરાવતા એ જ હેકટીવિસ્ટ જૂથ દ્વારા ભારતમાં એક મોટી બેંકને નિશાન બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિશ્વભરના તમામ મુસ્લિમ હેકર્સે માનવાધિકાર સંગઠનો અને કાર્યકરોને ભારત વિરુદ્ધ અભિયાન ચલાવવા હાકલ કરી હતી. રવિવાર સુધીમાં ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસની વેબસાઇટ પુનઃસ્થાપિત કરાઇ છે. આરબ દેશોએ નૂપુર શર્માના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો, ત્યારપછી ભાજપે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નુપુર શર્માને ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા હતા અને નવીન જિંદાલને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. નૂપુરના નિવેદનના વિરોધમાં શુક્રવારે દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન ઘણા શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી.