અમરેલી જિલ્લામાં ખાતરની તંગીને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે રાજયના કૃષિમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, અમરેલી જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે. જેમાં ખેડૂતો અને ખેતીકામ કરતા તમામ ખેતી પર પોતાના પરિવારનો નિર્વાહ ચલાવી રહ્યા છે, ત્યારે શિયાળાની ઋતુમાં અમરેલી જિલ્લામાં ખેડૂતોને શિયાળુ પાક ચણા, ઘઉં, ડુંગળીનું વાવેતર કરવું છે, પરંતુ અમરેલી જિલ્લામાં D.A.P. ખાતર મળી રહ્યું નથી. ખાતર વગર વાવેતર થઈ શકે તેમ નથી, ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે, ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે ઉપરાંત અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિની કૃષિ સહાય પણ મળેલ નથી. ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બની રહી છે, ખેડૂતો પર કુદરતી, આકસ્મિક આફતો આવતી હોય છે તેમ છતાં જગતનો તાત હિંમત હાર્યા વગર પોતાની ખેતી કરી રહ્યો છે, પણ ખાતર, બિયારણ આવશ્યકતા મુજબ તેમને મળતું નથી તેમના કારણે ખેડૂત ખેતી કરવામાં ખુબ જ મુશ્કેલીઓ વેઠી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લા પ્રત્યે રહેમ દૃષ્ટિ રાખી D.A.P. ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પ્રતાપભાઈ દુધાતે કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો છે.