વડિયામાં માતેલાસાંઢની માફક ફરતા ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે વડીયામાં આજે વહેલી સવારે ખાણખનીજ વિભાગની ટીમે સક્રિય બની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ડમ્પર ચાલક ઓવર લોડ ભરીને જઈ રહ્યો હોય જેને ઝડપી લેવાયો હતો. આ ડમ્પર સાથે એક અન્ય ડમ્પર પણ આવી રહ્યું હોય જેને તપાસ કરતા લીગલી હોવાથી છોડી દેવાયું હતું. મળતી માહિતી મુજબ વડિયામાં આજે વહેલી સવારે ખાણખનિજ વિભાગની ટીમ તપાસ કરી રહી હતી. તે દરમિયાન એક નંબર પ્લેટ વગરના ડમ્પરે રાજકોટ જિલ્લામાંથી વડીયા વિસ્તારમાં ઓવરલોડ ખનિજ ભરી પ્રવેશ કરતા ટ્રક ચાલકને ખાણખનિજ વિભાગે ઝડપી લીધો હતો અને ડમ્પર સહિત રૂ.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વડીયા પોલીસ સ્ટેશન હવાલે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડિયા શહેર સહિત અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ઓવરલોડ વાહનોની અવર જવર વધી રહી છે. જેના કારણે નાના મોટા અનેક અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે ડમ્પરો સહિત ઓવરલોડ વાહનો પર લગામ લગાવવી જરૂરી બની છે.