અમરેલી જિલ્લામાં સાધ્વીની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક આવેલ ચામુંડા આશ્રમના સાધ્વીની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર પંથકમાં માતાજી તરીકે ઓળખાતા સાધ્વી રેખાબેન (ઉ.વ. ૪૫)ની હત્યાને લઈ પોલીસ દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગામ લોકો દોડી ગયા હતા. આ અંગે ખાખબાઈ ગામે રહેતા મધુબેન ભાવેશભાઈ મકવાણા (ઉ.વ.૬૦)એ ગારિયાધાર તાલુકાના વેળાવદરના અરવિંદભાઈ ઉર્ફે નકાભાઈ ગોબરભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે રેખાબેન ખાખબાઈ ગામ બહાર આવેલા ચામુંડા આશ્રમમાં સાધ્વી તરીકે જીવન જીવતા હતા. આશ્રમની સેવા પૂજાનું કામ કરતાં અરવિંદભાઇ ઉર્ફે નકાભાઇ ગોબરભાઇ ડાભીને જગ્યા જોઇતી હતી. રેખાબેને આ આશ્રમવાળી જગ્યા નકાભાઇને આપવાની ના પાડી હતી. નકાભાઇ અને રેખાબેન વચ્ચે દિવાળી પહેલા આ આશ્રમની જગ્યા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી નકાભાઇ તા.૨૧/૧૧/૨૦૨૧ના રોજ સાંજના સાતેક વાગ્યે ચામુંડા આશ્રમમાં રેખાબેન ફરજામાં દૂધ દોહતા હતા ત્યારે તેમના શરીર પર છરા જેવા કોઇ તીક્ષ્ણ હથિયારથી તૂટી પડ્‌યો હતો. જેમાં તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જે બાદ તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ડી.વી.પ્રસાદ વધુ તપાસ કરી રહ્યા છે.