ખાંભાના પીપળવા ગામે એક જ રાતમાં ચોરીની બે ઘટના બની હતી. ગામમાં રહેતો શાકભાજીનો વેપારી પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયો ત્યારે તેના ઘરમાં ચોર ઈસમો ત્રાટક્યા હતા. ચોર ધંધાના ગલ્લામાં રાખેલા રોકડા રૂ.૩૦,૦૦૦ ચોરીને ફરાર થઈ ગયો હતો. પ્રવિણભાઈ આલુભાઈ બાંભણીયા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની સાથે તેમના કાકાના દીકરા સંજયભાઇની જાનમાં મેથળા ગામે ગયા હતા. આખો દિવસ જાનમાં રોકાઇને સાંજના સમયે પીપળવા ગામે પરત આવ્યા તે વખતે તેમના મકાનની દિવાલમાં આવેલ જાળીયું તોડી ઘરમાં શાકભાજીનાં ધંધાના ગલ્લામાં રાખેલા રોકડા રૂ.૩૦,૦૦૦ ચોરી કરીને ચોર ઈસમ ફરાર થઈ ગયા હતા. સેવાપૂજા કરતાં મનોજકુમાર બાલમુકુંદભાઇ પંડ્‌યા (ઉ.વ.૫૧)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, પીપળવા ગામના સ્વામિનારાયણ મંદિરની અંદર રહેલી દાનપેટીમાં આશરે છ થી સાત હજાર રૂપિયા હતા. આ દાનપેટી તોડીને અજાણ્યો ચોર ઈસમ પૈસા લઈને ફરાર થઈ ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ.વાળા બંને કેસની તપાસ કરી રહ્યા છે.