અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. હજુ હાલમાં જ લોકો પાયલોટની સતર્કતાથી ત્રણ સિંહોનો જીવ બચ્યો હતો ત્યાં આજે ખાંભા ડેડાણ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે એક બાળ દીપડાનું મોત થયું હતું. અમરેલી જિલ્લાના ખાંભા ડેડાણ પંથકમાં વન્ય પ્રાણીઓનો બહુ જ મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે આ સ્થળ પાસે એક ત્રણથી ચાર માસના બાળ દીપડાને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા બાળ દીપડાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની વન વિભાગને જાણ થતા વન વિભાગે તાત્કાલિક સ્થળ પર ઘસી જઈ બાળ દીપડાનો મૃતદેહ કબજે લઈ તાત્કાલિક એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્‌યો હતો. અજાણ્યો વાહનચાલક બાળ દીપડાને અડફેટે લીધા બાદ ફરાર થઈ જતા વન વિભાગની ટીમે તેની શોધખોળ શરૂ કરી છે.