ખાંભામાં છેડતી અને મારામારીનો ગંભીર બનાવ બનવા પામ્યો હતો. આ ઘટનામાં ચાર જેટલા આરોપીઓએ એક મહિલાનો હાથ પકડી તેની છેડતી કરી હતી અને ત્યારબાદ મહિલા તેમજ તેના પરિવારના સભ્યો પર હુમલો કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહિલાએ વિક્રમ ભરતભાઇ પરમાર, મહેશભાઇ મનુભાઇ પરમાર, હરેશભાઇ મનુભાઇ પરમાર તથા ભાવેશ મનુભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બનાવ સમયે ફરિયાદી મહિલા તેમના પતિ, ભાઈ, બહેન અને બનેવી સાથે ગામમાં રહેતા કાજલબેનના ઘરે ટીવી જોઈ રહ્યા હતા. દરમિયાન, ફરિયાદી મહિલા શેરીમાં બહાર ઊભી હતી તે સમયે આરોપી વિક્રમ પરમાર ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલાનો હાથ પકડી તેની છેડતી કરી હતી. આ દરમિયાન મહેશ પરમારે મહિલાને લાફો મારી દીધો હતો. તમામ આરોપીઓએ ભેગા મળીને મહિલા તેમજ તેના પરિવારજનો પર આડેધડ હુમલો કરી માર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.