ખાંભા-ઉના રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થનારા રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. એક તરફ તંત્ર વિકાસના ગાણા ગાઈ રહ્યું છે. ત્યારે આ રોડ પર વિકાસ એક વખત પસાર થાય અને ખૂદ અનુભૂતિ કરે તેવું લોકોમાંથી ચર્ચાઈ રહ્યું છે. ખાંભાના પચપચીયા નજીક તો મસમોટા ખાડાઓના કારણે અહીથી પસાર થતા નાના વાહન ચાલકોને અવારનવાર અકસ્માતનો ભોગ બનવુ પડી રહ્યું છે. ત્યારે સ્થાનિકો દ્વારા આ રોડ બાબતે અનેક વખત રજુઆત કરવામા આવી હોવા છતાં તંત્ર દ્વારા રોડના સમારકામ કે નવિનીકરણ અંગેની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામા ભારે વાહનો પસાર થતા હોય છે. ત્યારે તાકિદે આ રોડનું યોગ્ય સમારકામ અથવા નવિનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામા આવે તેવી રાહદારીઓ અને આસપાસના સ્થાનિકોમાંથી તીવ્ર માંગ ઉઠવા પામી છે.