અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાણીગપરા ગામે ખેડૂતોને મોટી રાહત મળી છે. માળિયા પરાના રહેવાસીઓ માટે સરાકડીયા જવાના આઝાદી સમયથી ચાલતા ગાડા માર્ગને ખાનગી કંપનીએ છેલ્લા બે મહિનાથી તાર ફેન્સિંગ અને ગેટ ઊભા કરી બંધ કરી દીધો હતો. ચોમાસામાં ખેતીકામ અને અવરજવર માટે ખેડૂતો તથા પશુપાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક લોકોએ આ મામલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ ધારાસભ્ય સોલંકી અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા અને ખેડૂતોની વ્યથા સાંભળી. તેમણે તાત્કાલિક દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવાનો આદેશ આપ્યો. ધારાસભ્ય સોલંકીએ સ્પષ્ટ કર્યું કે આ રાજાશાહી સમયનો કાયમી માર્ગ છે, જેને કોઈપણ વ્યક્તિ પોતાની મનમાનીથી બંધ કરી શકતી નથી. ખેડૂતો અને પશુપાલકોને દૈનિક જીવનમાં સરળતા મળે તે માટે માર્ગ પુનઃ ખુલ્લો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરી અને ધારાસભ્યનો આભાર માન્યો હતો.







































