ખાંભા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન મુદ્દે તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય સહાય ચુકવવાની માંગણી કરવામાં આવી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ખાંભાના ચેરમેન વિનુભાઈ આર. રૈયાણીએ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી આ મામલે સત્વરે સર્વે કરવા વિનંતી કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા ખાંભા તાલુકાના તમામ ગામડાઓમાં અચાનક ભારે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે સમગ્ર ખાંભા તાલુકાના ખેડૂતોને ખેતી પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાલ ઉનાળાની સિઝન હોવાથી ખેડૂતોના ખેતરમાં વાવેલા તલ, બાજરી, ડુંગળી જેવા ઉનાળુ પાકોને ભારે અસર પહોંચી છે. આ ઉપરાંત, બાગાયતી ખેતીમાં કેરીના પાકને પણ આ વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. વિનુભાઈ રૈયાણીએ પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે ખાંભા તાલુકો સાવરકુંડલા તાલુકાને અડીને જ આવેલ છે અને તાજેતરમાં સાવરકુંડલા તાલુકામાં સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, ત્યારે ખાંભા તાલુકામાં આવી રીતે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી. તેમણે સરકાર દ્વારા વહેલી તકે સ્થળ સર્વે કરાવી, થયેલ નુકસાન અંગે કામગીરી કરીને ખેડૂતોને યોગ્ય અને સમય મર્યાદામાં સહાય મળે તેવી અપીલ કરી છે. જો સમયસર સહાય મળશે તો જ ખાંભા તાલુકાના ખેડૂતો વરસાદના કારણે થયેલ નુકસાનની આફતમાંથી બહાર આવી શકશે. ચેરમેને જણાવ્યું છે કે ખેડૂતોને આગામી ચોમાસાની સિઝનની કામગીરી શરૂ કરવાની હોય, થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી તાત્કાલિક નિર્ણય કરવામાં આવે.










































