ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા ગામની શેરીઓમાં નદીના પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદી કહેર સામે ધરતીપુત્રો પણ લાચાર જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા કમોસમી વરસાદની આગાહી કરવામા આવી હતી. જે તે સમયે માર્કેટીંગ યાર્ડમાં નવી આવકો બંધ કરી દેવામા આવી હતી. સાથે ખેડૂતોને પણ એલર્ટ કરી દેવામા આવ્યા હતા. જો કે, આજે કમોસમી વરસાદની કોઈ આગાહી ના હોવા છતા ખાંભાના લાસા ગામમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. જેના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.