ખાંભાના માલકનેસ ગામે હાથ ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવકનું ભીંત સાથે માથું ભટકાવ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભરતભાઇ નરશીભાઇ બારૈયા (ઉ.વ.૨૬)એ ગૌતમભાઇ જગુભાઇ બોરીચા, ખોડુભાઇ નનકુભાઇ બોરીચા તથા સંજયભાઇ હમીરભાઇ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પાંચેક મહિના પહેલા ગૌતમભાઈ બોરીચાને રૂ.૩૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. જે પૈસા તેમણે પરત માંગતા સારૂ નહોતું લાગ્યું અને ગાળો આપી ઝઘડો કર્યો હતો. આ ઉપરાંત તેમના ઘરે ગેરકાયદે પ્રવેશ કરી તેની માતાને જમણા હાથની છેલ્લી ત્રણ આંગળીઓમાં ચાકું જેવું હથિયાર મારી ચરકો પાડી લોહી કાઢી ઇજા કરી હતી. તેમના પિતાને ઢસડી હાથે છોલાણ કરી ઢીકા પાટુનો મુંઢમાર માર્યો હતો. જેથી તેઓ તથા તેના માતા-પિતા સરકારી દવાખાને સારવારમાં દાખલ થયા હતા ત્યારે આ કામના ત્રણેય આરોપીઓ મોટર સાઇકલ લઇ આવ્યા હતા અને કેસ કરવાની ના પાડી ભીંત સાથે તેમનું માથું ભટકાવી લોહી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.