ખાંભા તાલુકાના ભાવરડી ગામના યુવા સરપંચ, ખાંભા વકીલ મંડળના ઉપપ્રમુખ અને જ્યોતિષ શાસ્ત્રી એવા કમલેશદાદા જાનીએ પોતાની દોઢ વીઘા જમીનમાં તૈયાર થયેલી જુવાર વિનામૂલ્યે ગૌમાતા માટે અર્પણ કરી છે. કમલેશદાદા જાનીએ ગાર્ગસ જાગીર આશ્રમમાં આવેલી પોતાની દોઢ વીઘા જમીનમાં સંપૂર્ણ પોતાના ખર્ચે બિયારણ, વાવણી અને દાડિયા સહિતનો ખર્ચ ભોગવીને જુવારનું વાવેતર કર્યું હતું. આ જુવાર તૈયાર થઈ જતા તેમણે ખાંભાના ‘સેવા યજ્ઞ ગ્રુપ’ના યુવાનોની ગૌસેવાથી પ્રેરાઈને આ તમામ ઘાસચારો રખડતી ગાયો માટે આપી દીધો છે. પોતે નાના ખેડૂત હોવા છતાં તેમના આ ઉમદા વિચારને સૌ જીવદયા પ્રેમી લોકો તથા સંસ્થાઓએ આવકારીને કમલેશદાદા જાનીનો આભાર વ્યક્ત કર્યો છે.





































