ખાંભા તાલુકાના બોરાળા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રસોઈ બનાવવાની બાબતે બહેને ઠપકો આપતા બહેને મનમાં લાગી આવતા ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગત તારીખ ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ બપોરના સમયે બોરાળા ગામે એક પરિવારમાં જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. ભોગ બનનાર યુવતીએ બપોરનું જમવાનું બનાવ્યું હતું. આ સમયે તેની બહેને રસોઈ બાબતે ટોકતા કહ્યું હતું કે, તને રસોઈ બનાવતા નથી આવડતું અને તું રસોઈ બનાવે ત્યારે તે બગડે છે. બહેન દ્વારા કરવામાં આવેલી આ ટકોરથી મનમાં લાગી આવી હતી. રસોઈ બાબતે થયેલો આ ઝઘડો ઉગ્ર બનતા યુવતી અત્યંત વ્યથિત થઈ ગઈ હતી. આવેશમાં આવીને તેણે પોતાના ઘરે પડેલી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં ફાળ પડી હતી અને યુવતીને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. એક સામાન્ય ઘરગથ્થુ બાબતે દીકરીએ આવું અંતિમ ડગલું ભરતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ.ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.