ખાંભામાં આવેલ પશુ દવાખાનામાં રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા દારૂની રેલમછેલ કરવામાં આવતી હોવાથી પશુ ડોક્ટર સહિત કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે. આ બાબતે પશુ ડોક્ટર દ્વારા પોલીસમાં રજૂઆત પણ કરવામાં આવી છે. ખાંભામાં આવેલા પશુ દવાખાનામાં કર્મચારીઓનો સમય પૂર્ણ થઈ ગયા બાદ આ દવાખાનું દારૂડિયાઓ માટે રેઢું પડ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાત્રિના સમયે પશુ દવાખાનામાં દારૂડીયાઓ પગપેસારો કરી દારૂ પીતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. આ અંગે પશુ ડોક્ટરે ખાંભા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે કે રાત્રિના સમયે અસામાજિક તત્વો મદિરાપાન કરી દેશી દારૂની કોથળીઓ દવાખાનાના પટાંગણમાં ફેકી ગંદકી કરી રહ્યા છે. દારૂડિયાઓને જાણે પોલીસનો કઈ જ ડર ન હોય તેમ નાસ્તાની મિજબાની ફરી રહ્યા છે. આમ રાત્રિના સમયે પશુ દવાખાનામાં પોલીસ પેટ્રોલિંગ કરે અને દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.