ખાંભા તાલુકાના પચપચિયા ગામની સીમમાં એક પરિવાર ઝૂંપડામાં સૂતો હતો, જેમાં ઉના તાલુકાના સામતેર ગામનો ૧૦ વર્ષનો બાળક મયૂર જીતુભાઇ સોરઠિયા પરિવાર વચ્ચે સૂતો હતો. દરમિયાન દીપડાએ લપાતા છુપાતા આવી બાળકને ઢસડી ૫૦૦ મીટર દૂર બાવળની ઝાડીઓ સુધી લઈ જઈ શિકાર કર્યો હતો. દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ દીપડો નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ ખાંભા રેન્જ વન વિભાગને થતાં વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બાળકના શરીરના હાથ, પગ સહિત કેટલાક અવશેષો મળતાં ખાંભા હોસ્પિટલમાં પી.એમ. માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો. સીમ વિસ્તારમાં દીપડાએ બાળકનો શિકાર કરવાની ઘટનાને લઈ સ્થાનિક ખેડૂતોમાં ફફડાટ સાથે ભયનો માહોલ છવાયો છે. દીપડાએ બાળક ઉપર હુમલો કર્યા બાદ બાળકનું મોત થતા ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલાએ ખાંભા તુલસીશ્યામ રેન્જને દીપડાને પકડવા માટે સૂચના આપતા હાલ વન વિભાગે દીપડાને પકડવા માટે લોકેશન લેવા માટેની કવાયત હાથ ધરી છે અને અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યાં છે.
પરિવારજનો પહોચ્યા ત્યારે બાળકના અવશેષો જ બચ્યા હતા
મૃતક બાળકના પરિવારજનોએ જણાવ્યું હતું, ‘અમો માલઢોર લઈ આવ્યા હતા. રાતે દીપડો બેથી અઢી વાગ્યાના ગાળામાં છોકરાને લઈ ગયો હતો, બૂમ પાડી એટલે અમને ખબર પડી, પછી અમે વન વિભાગને જાણ કરી બોલાવ્યા. છોકરાના મૃતદેહને અમે ખાંભા હોસ્પિટલમાં લાવ્યા છીએ. હોસ્પિટલ સત્તાવાળાઓએ બાળકનું પોસ્ટમાર્ટમ કરવાની તજવીજ કરવામાં આવી હતી.
ખુલ્લામાં ન સૂવા વનતંત્રનો અનુરોધ
ગીર પૂર્વ DCF રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, માનવ મૃત્યુની ઘટના બની છે. અમારી ટીમે ઘટના સ્થળે પહોંચી દીપડાનું લોકેશન લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પાંજરા પણ ગોઠવી દીધાં છે. ઝડપથી દીપડો પાંજરે પુરાય તે માટેની કામગીરી શરૂ છે અને લોકોએ સીમમાં ખુલ્લામાં ન સૂવા અમે વારંવાર અપીલ કરી રહ્યા છીએ. લોકોએ જાગૃત થવું પડશે. ખુલ્લા વિસ્તારમાં ન સૂવા વન વિભાગની અપીલ છે.