ખાંભા તાલુકાના ડેડાણ ગામે હોટલ પર બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક યુવક પર ચાર શખ્સોએ હુમલો કરી, પથ્થર વડે ઈજા પહોંચાડી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી.આસીફભાઇ અલ્તાફભાઇ બોળાતર (ઉ.વ.૧૮) એ બુધો મનજીભાઇ સોંદરવા રહે.નવા માલકનેશ, ડેડાણ ગામના હિતેષ જીણાભાઇ રાઠોડ, અયાન ફિરોજભાઇ અગવાન તથા ફરહાન ફિરોજભાઇ અગવાન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ડેડાણ ગામમાં તેના મિત્ર સિધ્ધરાજ સુસરાની ચાની હોટલે બેસવા ગયો હતો. આ દરમિયાન હોટલની દીવાલ પાસે જોતી વખતે ફરિયાદીએ ગરોળી છે તેવો શબ્દપ્રયોગ કર્યો હતો. આ સાંભળી ત્યાં હાજર રહેલા બુધો મનજીભાઇ સોંદરવા ઉશ્કેરાઈ ગયા હતા અને તું કેમ આવું બોલે છે? તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. તેમણે તાત્કાલિક પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને મારે તમારી સાથે ઝઘડો કરવો નથી તેમ કહી ત્યાંથી પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા. તેઓ જ્યારે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું ઘડી હુમલો કર્યો હતો. ચારેય શખ્સોએ તેમને ભૂંડી ગાળો આપી આડેધડ મૂઢમાર મારવાનું શરૂ કર્યું હતું. આરોપીએ તેમને માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા. જ્યારે અન્ય એક આરોપીએ છરી બતાવી ડરનો માહોલ પેદા કર્યો હતો. રોપીઓએ જતી વખતે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ રવિભાઇ જીવણભાઇ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































