ખાંભાના કોટડા ગામે જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ છરી અને લોખંડના પાઇપના ઘા ઝીંકી રૂ.૬૨,૧૦૦ની લૂંટ ચલાવાઈ હતી. બનાવ અંગે ખાંભાના કોટડા ગામે રહેતા પ્રતાપભાઈ ગભરૂભાઈ વાળા (ઉ.વ.૪૬)એ જનકભાઈ કનુભાઈ વાળા, ઉદયભાઈ ભોજભાઈ વાળા, લખધીરભાઈ વીંછીયા તથા પાંચ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,આશરે એકાદ વર્ષ પહેલાં પ્રતાપભાઈના નાના ભાઈ ભરતભાઈ સાથે આરોપી જનકભાઈને ઢોર ચરાવવા બાબતે માથાકૂટ થઈ હતી, જેની ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ જ વાતનું મનદુઃખ રાખીને જ્યારે પ્રતાપભાઈ ચલાલાથી ગેસનો બાટલો ભરાવીને મોટરસાયકલ પર કોટડા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જનકભાઈ અને ઉદયભાઈએ તેમનો રસ્તો રોક્યો હતો.મોટરસાયકલ ઊભું રખાવીને બંને આરોપીઓએ પ્રતાપભાઈને ગાળો આપી મારવા દોડ્‌યા હતા.પ્રતાપભાઈ બચવા માટે રોડની નીચે વાડીમાં ભાગી ગયા હતા, જ્યાં જનકભાઈ અને ઉદયભાઈએ તેમને પકડી નીચે પછાડ્‌યા હતા. જનકભાઈએ લોખંડના પાઇપ વડે પ્રતાપભાઈના બંને પગમાં આડેધડ ઘા માર્યા હતા.ઉદયભાઈએ તેમના હાથમાં રહેલી છરીનો ઘા પ્રતાપભાઈના જમણા પગની ઘૂંટીના ભાગે માર્યો હતો.બાદમાં, લખધીરભાઈ વીંછીયા તેમના મોટરસાયકલ પર અન્ય બે અજાણ્યા શખ્સોને લઈને ત્યાં આવ્યા હતા. આ ત્રણેય લોકોએ પણ લોખંડના પાઇપ વડે પ્રતાપભાઈના શરીર પર, હાથ-પગના ભાગે આડેધડ માર માર્યો હતો.હુમલા દરમિયાન જનકભાઈએ પ્રતાપભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.હુમલો કરીને લખધીરભાઈ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો જતા રહ્યા બાદ, મુખ્ય આરોપી જનકભાઈએ પ્રતાપભાઈ પાસેથી રૂ.૬૦,૦૦૦ની કિંમતનો ૬ તોલા સોનાનો ચેન અને ખિસ્સામાંથી રોકડા રૂ.૨,૧૦૦ ની લૂંટ કરી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના પી આઈ જી આર વસૈયા વધુ તપાસ કરી રહ્યા છે.