ખાંભાના ઈંગોરાળામાં ૭૫ વર્ષિય વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરનાર ગામના જ બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ફીંગરપ્રિન્ટના આધારે ગુનાનો ભેદ ઉકલ્યો હતો. બંને આરોપીને ઝડપી કાર્યવાહી કરી હતી. એક સપ્તાહ પૂર્વે ઈંગોરાળા ગામે ખોડિયાર મંદિરની બાજુમાં રહેતા ૭૫ વર્ષિય સોનાબેન કાનાભાઈ ગુજરીયાની હત્યા કરી અજાણ્યા શખ્સોએ ૧.૪૦ હજારની કિંમતના સોનાના દાગીનાની લૂંટ કરી હતી. આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે ટેકનીકલ હ્યુમન સોર્સ અને ફીંગરપ્રિન્ટ એક્સપર્ટ એચ.એ.વ્યાસે આરોપીઓના ફીંગરપ્રિન્ટ શોધી કાઢ્યા હતા. ખાંભા પોલીસે વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરનાર ગામના જ ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા હિંમત લાભુભાઈ પરમાર અને રવિ અશ્વીનભાઈ પરમારને ઝડપી લીધા હતા. પોલીસે બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.