ખાંભાના આંબલીયાળા ગામે પુત્રના પ્રેમલગ્ન સંબંધે પિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકના માતા-પિતાને છરી બતાવીને ફટકારવામાં આવ્યા હતા. બનાવ અંગે મંગાભાઇ જેઠાભાઇ મહીડા (ઉ.વ.૫૫)એ મનસુખભાઇ વાઘાભાઇ વણજારા, પ્રદિપભાઇ મનસુખભાઇ વણજારા, સુરેશભાઇ ડાયાભાઇ વણજારા, હરેશભાઇ બેચરભાઇ વણજારા સહિત ૮ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોટા દીકરા ધર્મેશને મનસુખભાઈ વાઘાભાઈ વણજારાની દીકરી તનુ સાથે પ્રેમસંબંધ હતો. જેથી તે બન્ને સુરત મુકામેથી ભાગી ગયા હતા. તે અંગેનું મનદુઃખ રાખી આરોપીઓએ પૂર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ એકસંપ થઈ પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઇ તેમના ઘરમાં પ્રવેશ કરી, ધારદાર છરી બતાવી તેમને તથા તેની પત્ની બન્નેને શરીરે આડેધડ ઢીકાપાટુ વડે મુંઢમાર માર્યો હતો. ઉપરાંત તેના તથા તેની પત્નીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની લૂંટ કરી સાથે લઇ ગયા હતા. તેમને બળજબરીપૂર્વક ટીંગાટોળી કરી ઘરની બહાર લઇ જઇ સફેદ કલરની ઇકો ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી લઇ ગયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.જી. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.