‘‘રમલી, એએએ… રમલી.”
મોતીની રાડ નીકળી ગઈ ને આંખો ફાટી રહી.
અવાવરૂ કૂવામાં રમલી પડી ગઈ હતી. મોતીએ ગામ ભણી દોટ મૂકી. “બચાવો, બચાવો. એ મારી રમલીને કોઈ બચાવો.”
ભર બપોરે કાળા તડકામાં ખુલ્લા પગે પાગલની જેમ દોડતી જાય ને બુમો પાડતી જાય. ઓઘડનું ઘર નજીક આવ્યુ. તરત જ મોતીએ ડેલી ખખડાવી. “જીવી, ઓ…. જીવલી. કમાડ ખોલ. મારી રમલી કૂવામાં પડી ગઈ સે, એ ઝટ કરો.
કોઈ બચાવો મારી સોડીને.”
આ સાંભળી તરત જ ઓઘડ ને જીવી જમતાં જમતાં એઠા હાથે બહાર આવ્યા. ઓઘડની બાએ પૂછ્યું કે, “ક્યાં કૂવામાં પડી ગઈ રમલી? અને કેમ કરતાં પડી!??
પાણી છેડે, પાણી વાળા કૂવાની બાજુમાં ઓલા અવાવરા કૂવામાં ?”
કલુમાએ ડોકું ધુણાવ્યું.
“ના રે ના! ન્યા કોઈ નય આવે હો! મા-દીકરી હું કરવા ન્યા ગ્યું ત્યુ?”
“પાણી ભરવા ..,
મેં રમલીને ના પાડી તો, ઈ કેય ખાલી ડોકું કાઢવામાં હું જાય છે?”
જેવી ડોકું કાઢવા ગઈ કે પાળ પરથી પગ લપસ્યો..અને ગઈ એ ઊંડા કૂવામાં.
એમ કહી મોતી લમણે હાથ દઈ બેસી ગઈ અને રોકકળ કરવા લાગી. ગામ ધીરે ધીરે ભેગું થઈ ગયું.
ઓઘડે કીધું ,”માડી તમે શાંતિ રાખો. હું જાઉ છું કૂવા પાસે. હાલો મારી ભેગા.”
“નય, તું ક્યાંય નય જાય હો. મારે તું એક જ સાત ખોટનો છો. એમાં ચુડેલ થાય છે. જે પડે એને મારીને જ જંપે. એ તને નથ ખબર?”
ઓઘડની મા ગુસ્સાથી બોલી. મોતી ગરીબડી બધાંની સામે જોવે પણ કોઈ આગળ ન આવે.
જીવીથી રહેવાયું નહી. પોતે ભણેલી એટલે આવી અફવામાં બહુ માને નહીં.
તરત જ મોતી બાને ઊભા કર્યા. અને કીધુ, “હાલો.”
” તું ક્યાં જા છો? આને ના પાડી ત્યાં તું ઉભી થઇ! પાછી વળ!! ત્યાં ચુડેલ થાય છે! ”
કલુમાએ જીવીનો હાથ પકડતાં કહ્યું.
“તમે ઉપાધી કરોમા. હું હમણાં જ આવું .” એમ કહી જીવી તો હાલવા માંડી ને પાછળ બધા પરિવારના અને ગ્રામજનો ગયા.
જીવીએ સાથે ફાનસ લીધું. કૂવામાં ઉતાર્યુ.
બધા વિચારમાં પડ્‌યા કે ,”આ કરે છે શું?”
જેવું ફાનસ અંદર ગયું ત્યાં તો તે ઓલવાઈ ગયું. જીવીએ તરત જ ફાનસ બહાર કાઢ્યું.
“જુઓ આ દીવો ઓલવાઈ ગયોને ! કૂવાની અંદરની હવા ખરાબ છે. કોઈ ચુડેલ બુડેલ નથી કે કોઈ ભૂત-પ્રેત નથી.” થોડી વાર સુધી કોઈને પણ જીવીની વાત સમજાણી નહિ.
જીવીએ ફોડ પાડ્‌યો, “મારા પિયરે ઘણાં લોકો ખાણમાં કામ કરે. એમાં ઊંડે સુધી ખોદકામ કરવાનું હોય અને જો સારી હવા એટલે કે ઓક્સિજન નો મળે તો, જીવનું જોખમ થાય. એ લોકો એની હારે ફાનસ રાખે અને જો એ બુઝાય, તો ખોદકામ નો કરે. કારણ કે ત્યાંની હવા ખરાબ હોય. જીવવાલાયક, શ્વાસ લેવા જેવી નો હોય અને અમારે ભણવામાંય આવતું.”
બધાને બરાબર મગજમાં વાત ઊતરી ગઈ અને સમજાઈ ગયું કે હકીકતમાં ચુડેલ છે જ નહીં. “અરે! આ રમલીને તો બહાર કાઢવાનું કંઈક કર જીવી.”
“સમાચાર મોકલી દીધાં છે. હમણાં બચાવવાવાળા પુગી જાહે.” જીવી બોલી. મોતી તો કૂવાની પાળ ચડીને કૂવામાં જોયે રાખે.
ગાડી આવી. એક જણાએ કમરે દોરડું બાંધ્યું અને બીજા બેએ ખચકાવીને પકડ્‌યું. હારે ઓક્સિજનનો બાટલો ટીંગાડેલો. ફટાફટ એ ભાઈ તો ઉતર્યો અને રમલીને ભેગી બાંધી. ઓક્સિજન માસ્ક પહેરાવીને ચડ્‌યો ઉપર. તરત જ ગાડી દોડાવીને દવાખાને સારવાર આપી.
બધાના જીવ તાળવે ચોંટેલા.” અરેરે..! રમલી હાજી ઘેર આવે તો સારું! જીવી ભણેલી રયને તે આપણને આ અફવામાંથી ઉગાર્યા. નકર આપણે તો જીવતી રમલીને મારવા બેઠા થ્યા’તા.” ઓઘડાની બા ગર્વ લેતાં બોલ્યા.
રમલી તો સાજી નરવી થઈને ઘેર આવી ને સીધી જ જીવીને મળીને ભેટી પડી. ખૂબ રોઇ.
“જીવી ભાભી જો તમે ના હોત તો, આજે હું જીવતી ન હોત. બહુ જીવ ગુંગળાતો’તો. અને પછી કાંઈ ખબર નય કે મને હું થ્યુ?”
જીવીએ રમલીને બધું વિજ્ઞાન સમજાવ્યું. પછી તો એ જ વર્ષે કૂવાનું સમારકામ કર્યું. પાણી ભરવાલાયક અને પીવાલાયક બનાવ્યો.
આખા ગામ વતી સરપંચે જીવીનું સન્માન કર્યું અને કીધું કે,” આ ચુડેલની અફવાના લીધે આપણે કેટલાંય નિર્દોષ લોકોને મરવા દીધા. પણ આ જીવીબેનના હિસાબે આજે આપણે આમાંથી મુક્ત થયા.” અને સાથે જાહેર કર્યું કે, “શિક્ષણ તો પાયાની જરૂરિયાત છે. હવે તો આપણા ગામની નિશાળમાં આપણે આપણાં બધાંના છોકરાઓને ભણવા બેસાડીશું અને બધાંએ ફરજિયાત નિશાળે જવાનું જ છે. અક્ષરજ્ઞાન એ જીવનદાન છે.”
બધાંએ સરપંચની વાત સહર્ષ સ્વીકારી લીધી.
કલુમા સાડલાનો છેડો આડો કરીને મનમાં મરક મરક હસી રહ્યા હતા.
ઓઘડ જીવી સામે જોઈ ખડખડાટ હસીને મનમાં બબડ્‌યો.” વાહ ! મારી જીવી, તે તો બાકી છપ્પન ઇંચનું કામ કર્યું હો !”
તાળીઓના ગડગડાટથી આખું વાતાવરણ ભરાઈ ગયું.
મૂળ વાર્તાઃ- નેહા બલદાણીયા
રીરાઈટ:- કાળુભાઈ ભાડ, અમરેલી.

sanjogpurti@gmail.com