પોલેન્ડમાં એક ભયાનક દુર્ઘટના બની છે. અહીં ખરાબ હવામાનને કારણે એક પ્લેન ધડાકાભેર અથડાયું હતું. જેમાં ૫ લોકોના દુખદ અવસાન થયા હતા. જયારે આ પ્લેન ક્રેશની ઘટનામાં ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ સમાચારો સાંપડી રહ્યા છે. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ, સેસ્ના ૨૦૮ નામનું એરક્રાફ્ટ ખરાબ અને વાદળછાયા વાતાવરણને કારણે સ્કાયડાઇવિંગ સેન્ટરના એક હેંગર સાથે ધડાકાભેર અથડાયું હતું. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ છુટી ગયા હતા.
આ દુર્ઘટના મામલે ફાયર વિભાગના પીઆરઓ અધિકારી મોનિકા નોવાકોવસ્કા-બ્રાયન્ડાએ મીડિયાકર્મીઓને પ્લેન ક્રેશ મામલે વધુ વિગતો આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે મધ્ય પોલેન્ડના ક્રેસિનોમાં બપોરે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં પ્લેનના પાઇલટ અને તોફાની હવામાનને કારણે હેંગરમાં આશ્રય લઇ રહેલા ચાર લોકોના મોત થયા છે.
તો આ મામલે પોલીસ તરફથી પણ મીડિયાને માહિતી આપવામાં આવી હતી. પોલેન્ડ પોલીસે મીડિયાને જણાવ્યું કે આ ઘટનામાં ૮ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
તો આ મામલે વધારેમાં પ્રાંતીય ગવર્નર સિલ્વેસ્ટર ડાબ્રોસ્કીએ જણાવ્યું કે ઘાયલોમાં એક બાળકનો સમાવેશ થાય છે. ક્રાસ્નો વોર્સોના ઉત્તર-પશ્ચિમમાં આશરે ૪૫ કિલોમીટરના અંતરે આવેલું છે. અગ્નિશામકો અને એર એમ્બ્યુલન્સ ઘટનામાં ભોગ બનેલા તમામ ઘાયલોને નોવી ડ્વોર માઝોવીકી પ્રદેશની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાદળછાયા સાથે તોફાની હવામાનને કારણે વિમાનમાં સવાર પાયલટ અને અન્ય ચાર લોકોએ હેંગરમાં આશ્રય લીધો હતો, પરંતુ મધ્ય પોલેન્ડના ક્રેસિનોમાં બપોરના સુમારે તેઓ તમામના મૃત્યુ થયા હતા. સ્થાનિક ફાયર બ્રિગેડના પ્રવક્તા કેટાર્જીના ઉર્બાનોવસ્કાએ જણાવ્યું હતું કે બચાવકર્તા હજુ પણ અન્ય ઘાયલ લોકો માટે હેંગર શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.
હાલ પોલીસ આ ગંભીર અકસ્માતના કારણો તપાસી રહી છે. આ પહેલા ૨૦૧૪માં પોલેન્ડમાં દક્ષિણી શહેર ઝેસ્ટોચોવા નજીકના ટોપોલોમાં એક નાનું પ્લેન ક્રેશ થતાં ૧૧ લોકો માર્યા ગયા હતા.