ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે સીરિઝ ગુમાવ્યા બાદ ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે ખરાબ રીતે હારીને આવ્યા પછી ભારતમાં આવીને ઝળકી છે. ભારતની હાર થતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ક્વોલિફિકેશનના આંકડા પણ ચિંતા વધારી રહ્યા છે.
ભારતીય ટીમ ૨૦૧૩થી ૨૦૨૪ વચ્ચે ઘરઆંગણે એક પણ ટેસ્ટ મેચ હારી નહોતી પરંતુ આ જીતની પરંપરાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડે તોડી નાખ્યો છે.. ન્યૂઝીલેન્ડે સતત બે મેચ જીતીને ટીમ ઈન્ડીયાને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં હરાવ્યું અને તેની જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો સિલસિલો પણ તૂટી ગયો છે. ભારતને મળેલી શરમજનક હાર બાદ હવે ક્રિકેટ ટીમની પડતીના કારણો શોધવાની સાથે દિગ્ગજ ખેલાડીઓના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે. જેમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે.
ન્યૂઝીલેન્ડે ભારત સાથે તે જ કર્યું જે બાંગ્લાદેશે તેના ઘરે પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે કર્યું હતું. બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનમાં સતત બે ટેસ્ટ જીતીને ઈતિહાસ રચીને વાપસી કરી હતી. આ શ્રેણી પહેલા પાકિસ્તાન સામે ક્યારેય એક પણ ટેસ્ટ મેચ જીતી ન શકનાર ટીમે ક્લીન સ્વીપ કર્યો હતો. ન્યુઝીલેન્ડે ૩૫ વર્ષ પહેલા ભારતમાં ટેસ્ટ જીતી હતી અને સતત બે ટેસ્ટ જીતીને માત્ર હારનો સિલસિલો જ ખતમ કર્યો ન હતો પરંતુ પાકિસ્તાનને જે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો તેવી સ્થિતિ પણ બનાવી દીધી હતી. હવે ટીમ ઈન્ડીયા પર ક્લીન સ્વીપનો ખતરો મંડરાઈ રહ્યો છે.બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સાથે જે થયું તે જ વિરાટ કોહલી સાથે થઈ રહ્યું હોવાના મુદ્દે સવાલ ઉભા થઈ રહ્યા છે. બાબરની જેમ તેણે પણ મહત્વની સીરિઝમાં જવાબદારીભરી ભૂમિકા ભજવી નથી. જે રીતે પાકિસ્તાની સ્ટાર બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો, તેવી જ રીતે વિરાટ પણ ખાતું ખોલાવ્યા વિના જ પાછો ફર્યો હતો.
બાબર આઝમ બાંગ્લાદેશ સામે માત્ર એક જ મોટી ઇનિંગ રમી શક્યો હતો અને તે પછી તે રન બનાવવા માટે તડપતો હતો, તેવી જ રીતે વિરાટ કોહલીના ખાતામાં માત્ર એક જ સારી ઇનિંગ હતી. છેલ્લી ચાર ઇનિંગ્સમાં તેણે ૦, ૭૦, ૧, ૧૭ રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી અને બાંગ્લાદેશે પણ પ્રથમ વખત પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ભારત અને પાકિસ્તાનની હાલત સમાન હતી. ઘરઆંગણે રમતી વખતે તેઓ વિરોધી ટીમથી હાર્યા છે.