૨૧ સપ્ટેમ્બર ૧૯૫૫ ના રોજ દિલ્હીમાં જન્મેલો ગુલશન ગ્રોવર બોલીવુડના બેડમેન તરીકે ઓળખાય છે. એનું કારણ એટલું જ છે કે તેનામાં નેગેટિવ રોલ ભજવવાની ગ્રેટ તાકાત છે. ખરાબ માણસ તરીકે ઓળખાવા માટે પણ સારી અભિનય શક્તિ હોવી જરૂરી છે. અને ગુલશન ગ્રોવર પાસે તે છે અને એટલે તે ખરાબ માણસ તરીકે ઓળખાવામાં સારી રીતે સફળ રહ્યો છે. ગુલશન ગ્રોવરે દિલ્હીની શ્રી રામ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી છે. હિન્દી ફિલ્મમાં આવતા પહેલા તેણે લિટલ થિયેટર ગ્રુપમાં અનેક નાટકો કર્યા હતા અને પોતાની અભિનય શક્તિઓ ત્યાં જ તેણે સાબિત કરી હતી.ગુલશન ગ્રોવરને હિન્દી ફિલ્મમાં ચમકવાનો સૌથી પહેલો અને મહત્વનો મોકો ૧૯૮૦માં ‘હમ પાંચ’ ફિલ્મમાં મળ્યો હતો અને તેમાં તેણે મહાવીરનો રોલ ભજવ્યો હતો. ત્યાર પછી ૧૯૮૧ માં ‘બુલંદી’ ફિલ્મમાં વિક્રમના મિત્રનું પાત્ર એક મહેમાન કલાકાર અથવા તો કેમીઓ તરીકે ભજવ્યું હતું. ૧૯૮૧ની રોકી ફિલ્મમાં પણ તે ચમક્યો હતો. ૧૯૮૨માં ‘અર્થ’ અને ‘સદમા’ ફિલ્મમાં પણ તેના રોલ નોંધપાત્ર રહ્યા હતા. ૧૯૮૩માં ‘અવતાર’, ‘સદમા’ ‘મશાલ’, ‘અંદર બહાર’ જેવી ફિલ્મોએ ગુલશન ગ્રોવરને લોકપ્રિય બનાવ્યો. તો ૧૯૮૪માં ‘ઇન્સાફ કૌન કરેગા’, ‘સોહીની મહિવાલ’ અને ત્યાર
પછીના વર્ષોમાં ‘આગ કે શોલે’, ‘વિરાના’, ‘ખતરોં કે ખિલાડી’, ‘વક્ત કી જંજીર’, ‘પ્યાર કે નામ કુરબાન’, ‘રામ લખન’, ‘ઈશ્વર’, ‘લવ લવ લવ’, ‘કાનૂન અપના અપના’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં વિલનનો રોલ ભજવીને તેણે એંસીના દાયકાના ઉત્તરાર્ધમાં પોતાની બેડમેન તરીકેની ઈમેજ સારી રીતે પ્રસ્થાપિત કરી. ૯૦નો દાયકો પણ ગુલશન ગ્રોવર માટે યાદગાર રહ્યો. ૧૯૯૦માં તેના અભિનય વાળી ફિલ્મ ‘દૂધ કા કર્ઝ’ સુપરહિટ રહી.
તો ૧૯૯૧ માં ઈજ્જત, કુરબાન, સૌદાગર, બંજારન, ૧૯૯૨માં ત્યાગી, વિશ્વાત્મા, તહલકા, જીગર, દિલ હી તો હૈ, દુશ્મન જમાના, શોલા ઔર શબનમ જેવી ફિલ્મોમાં તે ભારે લોકપ્રિય બન્યો. ૧૯૯૩માં તેની છોટે રાજા વિજય સિંગની ભૂમિકા યાદગાર રહી. એ જ રીતે ૧૯૯૪માં વિજયપથ, રાજા બાબુ, દિલવાલે, મોહરા, આગ, ક્રિમિનલ, જમાને સે ક્યા ડરના જેવી ફિલ્મોમાં તે વિલન તરીકે લોકપ્રિય રહ્યો અને ત્યાર પછીના વર્ષોમાં પણ તેણે સબસે બડા ખિલાડી, રાજા કી આયેગી બારાત, ખિલાડીઓ કા ખિલાડી, યસ બોસ, મિસ્ટર એન્ડ મિસિસ ખેલાડી, ઇન્ટરનેશનલ ખેલાડી, ૧૯૪૭ અર્થ, હિન્દુસ્તાન કી કસમ, હમ તુમ પે મરતે હૈ, હેરાફેરી, લજ્જા, દસ, બુમ, ટોમ ડિક એન્ડ હેરી, ફેમિલી, ગેંગસ્ટર, ધોખા, ફૂલ એન્ડ ફાઈનલ, શોબીઝ, જમ્બો, કર્જ, લવ સ્ટોરી ૨૦૫૦, નોક આઉટ, ક્રૂક, એજન્ટ વિનોદ, રાજધાની એક્સપ્રેસ, હેટ સ્ટોરી, અને ૨૦૨૩માં ચાર્લી ચોપડા ફિલ્મમાં બ્રિગેડિયર મહેરબાન સિંગ રાવતનો પણ રોલ ભજવે આજે પણ ગુલશન ગ્રોવર અણનમ છે.ગુલશન ગ્રોવરે હિન્દી ફિલ્મો ઉપરાંત ભારતની મરાઠી કે તેલુગુ કે બીજી દક્ષિણ ભાષામાં પણ ફિલ્મો કરી છે પણ તમને નવાઈ એ વાતની લાગશે કે તેણે ૧૯૯૯માં ઇટાલિયન ફિલ્મ મ્ટ્ઠિહષ્ઠરૈમાં જોન પોલનો રોલ કર્યો હતો.
ટૂંકમાં એક ખૂબ ખરાબ માણસના રોલ માટે ગુલશન ગ્રોવર એક ખૂબ સારો કલાકાર છે.