દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. પ્રદુષણની સાથે ધુમ્મસની અસરથી લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ એનસીઆર પણ પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. ગેપ-૪ના નિયમો અમલમાં આવ્યા છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. તમામ નિવારણ છતા પ્રદુષણ કાબુમાં આવી રહ્યું નથી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી છે. જ્યારે દિલ્હી એનસીઆરની બહાર માત્ર ધુમ્મસ જ જાવા મળી રહ્યું છે.
દિલ્હીમાં જામિયા મિલિયા ઈસ્લામિયાએ જાહેરાત કરી છે કે શનિવાર, ૨૩ નવેમ્બર સુધી વર્ગો ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. ૨૫ નવેમ્બર ૨૦૨૪ થી નિયમિત વર્ગો ભૌતિક મોડમાં ફરી શરૂ થશે. પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુનો સમયપત્રક યથાવત રહેશે.એકયુઆઇમાં વધારાને કારણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીએ ૨૨ નવેમ્બર સુધી ઓનલાઈન ક્લાસ ચલાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે સોમવારે વાયુ પ્રદૂષણ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપડેટ એડવાઈઝરી જારી કરી હતી. એડવાઈઝરીમાં હાલની આરોગ્ય પ્રણાલીઓને મજબૂત કરવા અને સંવેદનશીલ જૂથો અને જાખમ ધરાવતા વ્યવસાયોમાં જાગૃતિ લાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેની ભલામણોનો સમાવેશ થાય છે.
રિપોર્ટ્‌સ અનુસાર, દિલ્હીમાં ધુમ્મસ વચ્ચે ટ્રેનોની અવરજવર ચાલુ છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનોની ગતિ ધીમી જણાય છે. રેલ્વેએ કહ્યું કે ૨૨ ટ્રેનો મોડી ચાલી રહી છે અને નવ ટ્રેનો રોકી દેવામાં આવી છે. સવારે ૫ઃ૩૦ વાગ્યે દિલ્હીના સફદરજંગ અને પાલમમાં ૬૦૦ મીટરથી ૪,૪૦૦ મીટર સુધી વિઝિબિલિટી નોંધવામાં આવી હતી.
ખતરનાક પ્રદૂષણે રાજધાનીમાં સ્વાસ્થ્ય કટોકટી લાદી દીધી છે. લોકોને ઝેરી હવા શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૯૪ નોંધાયો હતો, જે અત્યંત ગંભીર શ્રેણીમાં છે. આ સિઝનનો સૌથી વધુ એકયુઆઇ હતો. તે જ સમયે, ઇન્ડેક્સ રવિવારની તુલનામાં ૫૩ ઊંચો હતો. બીજી તરફ, અશોક વિહાર, બવાના, દ્વારકા સેક્ટર ૮ સહિત ૧૨ વિસ્તારોમાં એકયુઆઇ ૫૦૦ નોંધવામાં આવ્યો હતો. પાલમ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ હતું. સવારે ૭.૩૦ વાગ્યે અહીં વિઝિબિલિટી ૧૦૦-૧૫૦ મીટર નોંધાઈ હતી. સફદરજંગ એરપોર્ટ પર ૧૫૦ મીટર પર વિઝિબિલિટી પણ નોંધવામાં આવી હતી, જે સાંજે ૫ વાગ્યે સફદરજંગ ખાતે ૨૦૦ મીટર અને પાલમમાં ૭૦૦ મીટર હતી. જેના કારણે માર્ગો પરની અવરજવર પર અસર પડી હતી.
સવારે હવાની તબિયત વધુ લથડી હતી. લોનીનો એકયુઆઇ, જે પહેલાથી જ ગંભીર શ્રેણીમાં હતો, સવારે ૮ઃ૦૦ વાગ્યે ૫૦૦ નોંધાયો હતો. સંજય નગરનો એકયુઆઇ પણ ૪૭૮, વસુંધરાનો એકયુઆઇ ૪૬૯ અને ઇન્દીરાપુરમનો એકયુઆઇ ૪૩૬ નોંધાયો હતો. ગાઝિયાબાદનો એકયુઆઇ ૪૩૮ રહે છે. પ્રદુષણના કારણે સવારે ઉદ્યાનોમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. પાર્કમાં ફરવા આવેલા કેટલાક લોકો શ્વાસ લેવામાં તકલીફ થતાં થોડી જ વારમાં પરત ફર્યા હતા.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આવી સ્થિતિમાં લોકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની વિનંતી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર, ઓછી વિઝિબિલિટી અને ગાઢ ધુમ્મસને કારણે સોમવારે સમગ્ર દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થયો હતો. મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, દિવસ દરમિયાન સૂર્ય સામાન્ય રીતે બહાર આવતો ન હતો. જેના કારણે સવાર-સાંજ તેમજ દિવસ દરમિયાન લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
બગડતી હવામાનની સ્થિતિ અને ધુમ્મસ સાથે પ્રદૂષણના મિશ્રણને કારણે દિલ્હીમાં દિવસભર ધુમ્મસની ચાદર છવાયેલી રહી. જેના કારણે લોકોને દૂર સુધી જાવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઈન્ડીયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન પણ ધુમ્મસની વચ્ચે ખોવાઈ ગયા હતા. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે હિમાલયના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવા લાગ્યો છે. જેના કારણે બહારના રાજ્યોના પ્રદૂષકોની સાથે સ્થાનિક પ્રદૂષણનો દબદબો રહ્યો. આ દરમિયાન સપાટી પર ફૂંકાતા પવનની ગતિ પણ ધીમી રહી હતી. જેના કારણે પ્રદૂષકો દૂર સુધી ફેલાઈ શક્યા ન હતા અને દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું હતું.
વાયુ પ્રદૂષણ માત્ર સ્વાસ્થ્યને જ અસર કરતું નથી પરંતુ હવાઈ અને રેલ સેવાઓને પણ વિક્ષેપિત કરી રહ્યું છે. ધુમ્મસના પડને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ છે. આનાથી માત્ર ટ્રેનોના સંચાલન પર જ અસર નથી પડી રહી પરંતુ વિમાનોને રનવે પર ઉતરવામાં પણ અવરોધો ઉભા થઈ રહ્યા છે.