કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ ગુજરાત વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે તેમના શબ્દોનું જાણી જોઈને ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને તેમનો ક્યારેય કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના લોકોનું ખૂબ સન્માન કરે છે અને આમ કરતા રહેશે. કેરળમાં ચૂંટણી પહેલા વધતા વિવાદ વચ્ચે તેમનો સ્પષ્ટતા આવ્યો છે.

તેમના નિવેદન પર, કોંગ્રેસના નેતા ખડગેએ કહ્યું, “કેરળમાં મારા તાજેતરના ચૂંટણી ભાષણમાંથી કેટલીક ટિપ્પણીઓને જાણી જાઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું જવાબદારી સ્વીકારીને મારા તરફથી દુઃખ વ્યક્ત કરું છું. મને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધુ આદર રહ્યો છે અને હંમેશા રહેશે. તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો.”

કેરળના ઇડુક્કીમાં એક રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે કેરળના લોકો શિક્ષિત અને બુદ્ધિશાળી છે અને તેમને ગેરમાર્ગે દોરી શકાતા નથી, જેમ કે ગુજરાત અને કેટલાક અન્ય પ્રદેશોના લોકો સાથે કરી શકાય છે. મોદીજી અને પિનરાઈ વિજયન (કેરળના મુખ્યમંત્રી), તમે બંને ગુજરાત અથવા અન્યત્ર અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.

ભાજેએ ખડગેની ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી, તેમના પર ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ ટિપ્પણીએ લાખો લોકોનું અપમાન કર્યું છે અને રાષ્ટ્રનિર્માણમાં રાજ્યના યોગદાનની અવગણના કરી છે, જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતાઓનો સમાવેશ થાય છે. તેમણે કોંગ્રેસ પર રાજકીય હતાશામાં વારંવાર ગુજરાતને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે મતદારો આવી ટિપ્પણીઓને ભૂલશે નહીં.