અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં આવેલું ખડખડ ગામ સાચા અર્થમાં કોમી એકતાનું પ્રતિક બન્યું છે. હાલમાં મોહરમ પર્વ નિમિત્તે, આખા ગામના હિંદુ અને મુસલમાન સમુદાયના લોકોએ છેલ્લા દસ દિવસથી સાથે મળીને મોહરમની ઉજવણી કરી હતી. આ ઉપરાંત, તેઓએ સાથે બેસીને ભોજન પણ લીધું હતું, જે સમાજમાં સદ્ભાવના અને ભાઈચારાનો અનોખો સંદેશો પૂરો પાડે છે. આ નાના એવા ગામનો સંદેશો સ્પષ્ટ છે કે, પ્રેમ, લાગણી અને આત્મીયતાથી ઉપર કોઈ ધર્મ નથી. આ ગામમાં દરેક જ્ઞાતિના લોકો પોતપોતાના તહેવારો ઉજવે ત્યારે સમગ્ર ગ્રામજનો સાથે મળીને ઉજવણી કરે છે. આ ગામની એક વિશેષતા એ પણ છે કે અહીં સંત વેલનાથ બાપુની પહેલી અને છેલ્લી સમાધિ આવેલી છે. સાથે જ, કુકાશા પીરની દરગાહ પણ આવેલી છે. આ ગામના મંદિરમાં કાચની પ્રસાદી ચડાવવામાં આવે છે અને કાચનો પ્રસાદ આપનાર કુકાશા પીર છે. અહીં “જય વેલનાથ બાપુ”ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠે છે.








































