આણંદ જિલ્લાના ખંભાત  તાલુકાના એક ગામનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. એક યુવકે તેના મિત્રની મદદથી સગીરાના પરિવારજનોને ઊંઘની ગોળીઓ ખવડાવી બેભાન કર્યા બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ખંભાત ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપી સહિત બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.પ્રાપ્ત વિગતો અનુસાર વત્રા ગામના વાડિયાપુરા વિસ્તારમાં રહેતા રણજીત ઠાકોરે એક સગીરા સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. રણજીતે તેના મિત્ર વિજય ઠાકોર સાથે મળીને એક કાવતરું રચ્યું હતું. રણજીતે સગીરાને ઊંઘની ગોળીઓ આપીને તેના પરિવારના ભોજનમાં ભેળવી દેવા માટે દબાણ કર્યું હતું. સગીરાએ આ ગોળીઓ ભોજનમાં ભેળવી દેતાં ઘરના તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા.આ તકનો લાભ લઈ મુખ્ય આરોપી રણજીત ઠાકોર તેના મિત્ર વિજય ઠાકોર સાથે સગીરાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં કોઈ જાગતું ન હોવાથી રણજીત સગીરાને બળજબરીપૂર્વક બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. તેમણે તાત્કાલિક ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચીને રણજીત ઠાકોર અને વિજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ખંભાત ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. વધુમાં, આ દુષ્કૃત્યમાં આરોપી રણજીત ઠાકોરને મદદ કરનાર તેના મિત્ર વિજય ઠાકોરની સંડોવણી મામલે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.