સંવત્સરી એ પર્યુષણનો છેલ્લો દિવસ છે. તે પર્યુષણ પર્વનો ૮ મો અથવા દસ લક્ષણા પર્વનો ૧૦ મો દિવસ હોય છે. જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે. ઘણાં જૈનો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્ચાતાપમાં વીતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમાવિધિ સંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બાદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડમ્ બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુઃખ, પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. એક વિધિ તરીકે તેઓ તેમના મિત્રો, સગા, સંબંધી આદિને મિચ્છામિ દુક્કડમ્ ં કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી.
અતિક્રમણની સામે પ્રતિક્રમણ કરીને જૈન બંધુઓ સંવત્સરીના પાવન પર્વે પ્રમાણિકતાથી ક્ષમા યાચના વ્યક્ત કરે છે.
પૂજ્ય મહાવીર સ્વામીના આદર્શો અને આદરને જનસમાજમાં ક્ષમા માંગીને વ્યક્ત કરવાનું પર્યુષણ પર્વ ઉજવવામાં આવે છે. ધર્મનું મુખ્ય કામ માણસમાંથી માનવ બનાવવાનું છે. અહિંસા પરમો ધર્મ થકી મન, વચન, કર્મ થકી કોઈનું હૃદય દુભાય નહીં તે રીતે જનસેવા અને અહિંસાના માર્ગે સેવાકીય કાર્યો કરવાની, તપ, સાધના કરવાની કેળવણી પ્રાપ્ત થાય છે.
આજે ભૌતિક વિલાસ તરફ મનુષ્યએ અંગુલી નિર્દેશ કર્યો છે ત્યારે પ્રપંચ, દ્વેષ, આડંબર, પાપાચાર, ભ્રષ્ટાચાર, વ્હાઈટક્રાઈમ, સમયચોરી, યોગ્ય સમયે ન બોલવું આ બધા દૂષણ દેશની પ્રગતિ અટકાવી શકે છે. દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’ છે. ગાંધીજીના અગિયાર વ્રતનું પાલન કરવું તે જ મોટો ધર્મ છે. ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ નરસિંહ મહેતાનું ભજન “વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે..” જાણીતું છે. આજના યુગમાં ડગલે અને પગલે દુઃખ આપનારા અનેક વ્યક્તિઓ દરરોજ જન્મે છે તેનું કારણ આધ્યાત્મિકતાનો અભાવ છે. અનેકતામાં વિવિધતા ધરાવતો આ દેશ તહેવાર, ઉત્સવ, પર્વ અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતો દેશ છે. તપસ્યા કરવાથી મનુષ્યની આંતરિક શક્તિ વ્યાપક બને છે. આજે દુઃખ આવે તો એટલા બધા લોકો ડરી જાય છે જાણે કે દુનિયામાં તે જ દુઃખી છે. દુઃખનો સામનો કરવા માટે મક્કમ મને સામનો કરવો પડે. સહનશીલતા અને સજ્જનતા મનુષ્યમાં નિર્માણ કરવા માટે જૈન ધર્મ પ્રેરણા આપે છે.
જૈન બંધુઓ સવારે વહેલા દેરાસરમાં જઈને “ઓમ અરિહંતાય નમઃ” થકી મહાવીર સ્વામીની પૂજા, અર્ચના વિધિ કરે છે. તેના થકી એકાગ્રતા અને આત્મશક્તિ નિર્માણ પામે છે. આધ્યાત્મિકતાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે ખૂબ જરૂરી છે. ગણેશચતુર્થી પર્વ ઉપર મોટી મોટી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ લાવીને બાહ્ય આડંબર થકી હૃદયને બંધ કરી નાખનારા ડીજેના તાલે નાચ ગાન કરશે અને દસમા દિવસે વિસર્જન કરીને જે સર્જનહાર છે તેનું વિસર્જન કરનાર બુદ્ધિ વગરના આ લોકોને કોણ સમજાવે? પાણીમાં રહેલા અનેક જીવો કેમિકલ યુક્ત મૂર્તિઓ અને પ્લાસ્ટર ઓફ પેરિસના કારણે નાશ પામશે, પાણીમાં કેટલું પોલ્યુશન થાય છે તે વિચાર ક્યારે ગજાનંદ આપશે? બ્રિજ પરથી વિÎનહર્તાની મૂર્તિ ફેંકી દે છે પછી તેમની પ્રગતિ કેમની થાય? ૧૮૯૩માં અંગ્રેજો સામે લોકોને એકત્ર કરવાના ઉદ્દેશથી બાલ ગંગાધર ટિળકએ મહારાષ્ટ્રમાં ‘ગણેશ ઉત્સવ’ની શરૂઆત કરી હતી. જન્માષ્ટમીમાં મટકી ફોડવા કરતા દેશમાં કેટલાય ઘરમાં માટલાનું ઠેકાણું નથી ત્યાં આપી હોત તો પાણીથી ભરેલી માટલી થકી તેનું પોષણ થાત. ઉત્સવમાં અતિરેક આવ્યો છે. તેના કારણે વ્યભિચાર, ભ્રષ્ટાચાર અને ધર્મના સારા કાર્યો પર છાંટા ઉડે છે. આજે લોકમાતા નદીઓ મનુષ્યના કારણે પ્રદૂષિત થઈ છે. નહેરો અને નદીઓમાં કથા, પૂજન કરેલી સામગ્રી નદીમાં પધરાવીને લોકમાતાને ગંદી કરવાનું કાર્ય કોઈ પ્રાણી કરતું નથી. માત્ર મનુષ્ય કરે છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને આ બાબતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા માટે કડક સૂચના આપવામાં આવે તે જરૂરી છે.
તમારા આત્મામાં જીવ અને શિવ બંને વસે છે. શા માટે આવા બાહ્ય આડંબર કરો છો. અખાએ કહ્યું છે કે “તિલક કરતા ત્રેપન થયા જપમાળાના નાકા ગયા, તુલસી દેખે ત્યાં તોડે પાન, નદી દેખે ત્યાં કરે સ્નાન”. આવા મનુષ્ય સમાજનું શું ભલું કરશે?
આધ્યાત્મિકતાનો અતિરેક કરવાની જગ્યાએ આત્મા શુદ્ધિકરણ કરવાની તાતી જરૂરિયાત છે. ભગવદ્ ગીતાના દાર્શનિક સિદ્ધાંતો કર્મ અને સાંખ્યયોગ જીવનમાં ઉતારવાની જરૂર છે. વિસર્જનના દિવસે રોડ, રસ્તા ઉપર ડી.જે. ના તાલે ટ્રાફિક નિર્માણ કરી કઈ સેવા કરી રહ્યા છો. એકલવ્યએ માટીની મૂર્તિ બનાવીને ગુરુ દ્રોણાચાર્યની તપસ્યા કરી હતી. માટી આપણી મા છે. તેની જગ્યાએ કેમિકલયુક્ત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી પ્રદૂષણ નિર્માણ કરીએ છીએ.
પ્રકૃતિનું સંવર્ધન કરવું અને ઉત્સવો વ્યક્ત કરવા એ આજના સમયની તાતી જરૂરિયાત છે. ભૌતિક વિલાસમાં મનુષ્ય માનવતાની અસ્મિતા ભૂલી રહ્યો છે ત્યારે તેના અંંતરઆત્મામાં ક્ષમા કરવાનું ભૂષણ સારી રીતે કેળવાય તે આજના સમયની જરૂરિયાત છે. સૌ મારા વાચક મિત્રોને ગણેશચતુર્થી અને સંવત્સરીની શુભકામના… મનુષ્ય બનવાની શ્રેષ્ઠ કલા આધ્યાત્મિકતા કેળવે છે. Mo.૯૮૨૫૭૦૨૨૮૨