ગાંધીનગર,તા.ર૭
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ‘હાફેશ્વર’ ગામને આજે ‘વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે’ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી હતી. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ વિકાસને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ‘વિશ્વ પ્રવાસન દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાતના પ્રવાસનની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે તેમ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, આજે પુનઃ એકવાર ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મે ’ ના મંત્રને છોટાઉદેપુર જિલ્લાના નાનકડા હાફેશ્વર ગામે સાકાર કર્યો છે. તાજેતરમાં જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ. ૧૦ કરોડના બજેટ સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પા‹કગ, વાટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોક-વેનું નિર્માણ કરવામાં આવનાર છે.