શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતનો તા.૨૧-૦૮-૨૦૨૫ ના રોજ જમનાબા ભવન ખાતે ૧૨૪ મો થર્સ-ડે થોટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જીવનનું અંતિમ લક્ષ ખુશી છે પરંતુ ખુશી પછીનું એક સ્થાન છે તે પરમ શાંતિ, પરમ શાંતિને પામવા માટે મનને સમજવું પડે અને જીવનને ઘડવું પડે છે.પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના વરાછા સેન્ટરના બી.કે. તૃપ્તિબેને જીવન અને શાંતિ વિષય પર પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ક્રોધ એ એક એવો અગ્નિ છે જે બીજાને નહીં, પરંતુ પોતાને જ બાળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આત્માના પ્રકાશને અનુભવવો એટલે પરમ શાંતિનો અનુભવ કરવો. તેમણે કહ્યું કે, વિચારોને ધીમી ગતિએ અનુભવવા એ જ સાચી શાંતિ છે. જીવનમાં અચાનક આવતી મુશ્કેલીઓના સમયે શાંતિ જાળવવી એ જ સાચી શક્તિ છે. રોજિંદા જીવનમાં શાંતિનો અનુભવ કરવા માટે તેમણે નો કમ્પેરીઝન, નો કોમ્પેટીશન, નો ક્રીટીઈઝમ અને નો કરેકશન એમ ચાર મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.