બ્રિટનમાં કોરોનાવાયરસનાં ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં ૧૦,૦૫૯ કેસ નોંધાયા છે. વળી, ઓમિક્રોનનાં કારણે બ્રિટનમાં આજે ત્રણ લોકોનાં મોત થયા છે. શુક્રવારની સરખામણીમાં ઓમિક્રોનનાં કેસ ત્રણ ગણાથી વધુ નોંધાયા છે. શુક્રવારે યુકેમાં ઓમિક્રોનના ૩,૨૦૧ કેસ નોંધાયા હતા.
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા દૈનિક આંકડા બહાર પાડવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં ૯,૪૨૭, ઉત્તરી આયર્લેન્ડમાં ૫૧૪, સ્કોટલેન્ડમાં ૯૬ અને વેલ્સમાં ૨૨ કેસ નોંધાયા છે. આ સાથે, યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) માં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને ૨૪,૯૬૮ થઈ ગઈ છે. વળી, બ્રિટનમાં શુક્રવારે સતત ત્રીજો દિવસે રેકોર્ડ ૯૩,૦૪૫ નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક કેસ છે. નવા કેસોમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટની સાથે ડેલ્ટાનાં કેસ પણ સામે આવી રહ્યા છે. સતત ત્રીજો દિવસે નવા કોવિડ-૧૯ કેસની વિક્રમજનક સંખ્યા બાદ આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી ગઈ છે. સરકારી આંકડાઓ અનુસાર, યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) માં અત્યાર સુધીમાં કુલ ૧૧.૧૧ મિલિયનથી વધુ લોકો સંક્રમિત થયા છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને ઓમિક્રોનનાં વધતા કેસને કારણે રસીકરણ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, ઝડપી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેની સાથે બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. વળી, સ્કોટલેન્ડનાં ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ઘણી ચિંતા છે. ઓમિક્રોને એક અઠવાડિયા પહેલા જે ચેતવણી આપી હતી તેની અસર હવે આપણને થવા લાગી છે.
વેલ્સનાં નેતા માર્ક ડ્રેકફોર્ડે નાગરિકોને ઓમિક્રોન વેરિઅન્ટ સાથે સ્પર્ધા કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. લોકોને ખૂબ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, ૨૬ ડિસેમ્બર પછી દેશની નાઈટ ક્લબ બંધ થઈ જશે.
દુકાનો અને કાર્યસ્થળોમાં સામાજિક અંતર જોળવવાનાં નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.