ભારતમાં ક્રિપ્ટો કરન્સીને મંજૂરી મળવી જોઈએ ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ક્રિપ્ટો કરન્સીને મુદ્દે મનોમંથન શરૂ કર્યું તેના કારણે આ સવાલ ચર્ચામાં છે. મોદી સરકારે ગયા સપ્તાહે ક્રિપ્ટો કરન્સી અંગે બે ઉચ્ચ કક્ષાની બેઠકો કરી. તેના પરથી જ ક્રિપ્ટો કરન્સી મુદ્દે મોદી સરકાર ગંભીરતાથી વિચારી રહી હોવાનું સ્પષ્ટ છે.

મોદી સરકારે ક્રિપેટો કરન્સી અંગે શું વલણ લેશે તેનો ફોડ પાડ્યો નથી પણ સત્તાવાર રીતે જ અપાતાં નિવેદનો પરથી સ્પષ્ટ છે કે, મોદી સરકાર આ મુદ્દે અવઢવમાં છે. ચીન સરકારે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો તેના પગલે સરકારમાં એક વર્ગ એવું માને છે કે, ક્રિપ્ટો કરન્સી પર ભારતમાં પણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પ્રતિબંધની તરફેણમાં મોખરે છે. રીઝર્વ બેંકનો સ્પષ્ટ મત છે કે, ભારતમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપીને સમાંતર ચલણ ઉભું ના કરવું જોઈએ. રીઝર્વ બેંકે પહેલાં પ્રતિબંધ મૂકેલો જ પણ પછી સુપ્રીમ કોર્ટે હટાવી લીધેલો. રીઝર્વ બેંકે તેનું વલણ જાળવ્યું છે. સરકાર તરફથી બીજા કેટલાક વિભાગો ક્રિપ્ટો કરન્સીને મંજૂરી આપવાની તરફેણમાં છે. અલબત્ત આ મંજૂરી રોકાણ તરીકે હોવી જોઈએ એવો તેમનો મત છે. જે રીતે બીજાં રોકાણો પર ટેક્સ લાગે છે એ રીતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર પણ કેપિટલ ગેઈ ટેક્સ લાગે એવું પણ તેમનું માનવું છે.

મોદી સરકારને અત્યારે આવકની જરૂર છે તેથી આ વિકલ્પ આકર્ષક લાગે છે એ જોતાં ભારતમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા મળશે પણ આ માન્યતા મર્યાદિત પ્રમાણમાં હશે. અત્યારે જે ચિત્ર ઉપસી રહ્યું છે એ જોતાં ભારતમાં ક્રિપ્ટો કરન્સીને ચલણ તરીકે મંજૂરી નહીં આપવામાં આવે. મતલબ કે ક્રિપ્ટો કરન્સી આપીને કોઈ વસ્તુ કે સંપત્તિ નહીં ખરીદી શકાય. કોઈ વ્યક્તિ પાસે બીટકોઈન કે ઈથેરિયમ જેવી ક્રિપ્ટો કરન્સી હોય તો તે શેર, ગોલ્ડ કે બોન્ડની જેમ રોકાણ જ ગણાશે. તેનો ઉપયોગ રૂપિયા એટલે કે ચલણની જેમ કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવામાં કરી શકાશે નહીં.

મોદી સરકાર ક્રિપ્ટો કરન્સીને લગતા નિયમો ઘડી રહી છે. આ નિયમોને અંતિમ રૂપ અપાય પછી સાચું ચિત્ર ખબર પડશે પણ મોદી સરકાર આવકની લાલચમાં ક્રિપ્ટો કરન્સીને એક રોકાણ તરીકે માન્યતા અપાય એ પણ દેશના હિતમાં નથી જ.

//////////////////////

મોદી સરકાર ગુલાંટ લગાવશે ?

મોદી સરકાર પહેલાં વર્ચ્યુઅલ કરન્સીની સાવ વિરૂધ્ધ હતી. ભારતમાં થોડાંક વર્ષ પહેલાં બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીનાં સંખ્યાબંધ કૌભાંડો બહાર આવેલાં. વર્ચ્યુઅલ કરન્સીના નામે લોકોને છેતરીને ખંખેરી લેવાના ઘણા બધા કિસ્સા બહાર આવતાં વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડનો પર્યાય બની ગઈ હતી.  ગુજરાતમાં બિટકોઈન્સનાં કૌભાંડ સૌથી વધારે ગાજ્યાં હતાં. આ કૌભાંડમાં ધારાસભ્ય નલિન કોટડિયાએ તો જેલની વા ખાવી પડેલી. ગુજરાતમાં રોજ સવાર પડે ને ક્રિપ્ટો કરન્સીનું એક નવું કૌભાંડ બહાર આવતું હતું. આ કૌભાંડ પણ પાછાં નાનાં નહીં પણ કરોડોમાં હતાં.

મોદી સરકારે આ કૌભાંડોને ગંભીરતાથી  લઈને લોકોને સલાહ આપેલી કે, વર્ચ્યુઅલ કરન્સીથી દૂર જ રહેજો. ઝડપથી કમાણી કરવાની લાલચમાં વર્ચ્યુઅલ કરન્સી તરફ વળ્યા તો લાખના બાર હજાર કરીને રાતા પણીએ રડવાનો વારો આવશે. મોદી હતી. 2017માં મોદી સરકારે નાણાં મંત્રાલયના સેક્રેટરીના વડપણ હેઠળ સમિતી પણ બનાવી હતી. આ સમિતીમાં રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર, સેબીના ચેરમેન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગના સેક્રેટરી સહિતના ધુરંધરો હતા. આ સમિતીનું કામ વર્ચ્યુઅલ કરન્સીને લગતી તમામ બાબતોનો અભ્યાસ કરીને આ દૂષણને રોકવા શું કરવું તે અંગેનાં પગલાં સૂચવવાનું હતું.

આ સમિતીએ 2018ના માર્ચમાં રીપોર્ટ આપ્યો તેમાં વર્ચ્યુઅલ કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કાયદો બનાવવાની ભલામણ કરેલી. બેંકો  વર્ચ્યુઅલ કરન્સીથી દૂર રહે  એટલે તેમના પર પણ નિયંત્રણો લાદવાની ભલામણ કરાયેલી. આ ભલામણોના આધારે કેન્દ્ર સરકારે કાયદો બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરેલી.  રીઝર્વ બેંકે 2018ના એપ્રિલમાં બેંકોને ફરમાન કર્યું હતું કે, કોઈ પણ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સીના સોદામાં પડવું નહીં કે તેને પ્રોત્સાહન આપવું નહીં.

કેન્દ્ર સરકારે કરેલા ફરમાનના આધારે વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ માટે બાનિંગ ઓફ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2019 તૈયાર કરાયેલું. આ બિલમાં વર્ચ્યુઅલ કરન્સીના સીધા કે આડકતરા કોઈ પણ વ્યવહારમાં સંકળાયેલી વ્યક્તિને દસ વરસની કેદની સજાની જોગવાઈ હતી. બેંક સહિતની કોઈ નાણાંકીય સંસ્થા વર્ચ્યુઅલ કરન્સીના સોદામાં સામેલ હોય તો તેના પર પ્રતિબંધની પણ જોગવાઈ તેમાં હતી. મોદી સરકારે લીધેલા વલણને અનુરૂપ આ કાયદો બનવાનો હતો પણ કમનસીબે વાત આગળ વધી નહીં.

લોકસભાની ચૂંટણી આવી તેથી આ બિલ લટકી ગયું.

//////////////////////

મોદી સરકાર ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધનું બિલ લાવે એ પહેલાં તેનો કારોબાર ના ફૂલેફાલે એટલે પછી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 6 એપ્રિલ, 2018ના રોજ પરિપત્ર બહાર પાડીને તમામ વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મૂકી દીધેલો. રીઝર્વ બેંકે વર્ચ્યુઅલ કરન્સીને ગેરકાયદેસર જાહેર કરીને તેનો સાદો કરનારી બેંકો પર પણ પ્રતિબંધ મૂકવાનું એલાન કરેલું. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈએએનએઆઈ)એ આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારેલો. સુપ્રીમ કોર્ટે એ અરજીને માન્ય રાખીને વર્ચ્યુઅલ કરન્સી પરના પ્રતિબંધને અને તેના સોદા કરતી બેંકો પરના પ્રતિબંધને પણ ગેરબંધારણીય ગણાવતો ચુકાદો આપ્યો હતો.

મોદી સરકાર લાવવા ધારતી હતી એવો કાયદો બની ગયો હોત તો ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ હોત. રીઝર્વ બેંકે મૂકેલા વર્ચ્યુઅલ કરન્સી પરના પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવીને ફગાવી દીધો એવું ના બન્યું હોત. બલ્કે રીઝર્વ બેંકે પ્રતિબંધ મૂકવાની જરૂર ના પડી હોત કેમ કે કાયદાથી જ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ આવી ગયો હોત.

મોદી સરકારે એ વખતે લીધેલું વલણ યોગ્ય હતું.

હવે મોદી સરકાર આવકની લાલચમાં ક્રિપ્ટો કરન્સીને કોઈ પણ પ્રકારની માન્યતા આપે એ ગુલાંટબાજી જ કહેવાય.

//////////////////////

મોદી સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ જ મૂકવો જોઈએ.

ક્રિપ્ટો કરન્સી ઘણાં લોકોને આકર્ષક લાગે છે કેમ કે ક્રિપ્ટો કરન્સી વિશે ઘણ ગેરમાન્યતાઓ છે. સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે, ક્રિપ્ટો કરન્સીને સાચવવાની જફા નથી. ક્રિપ્ટો કરન્સી રાખવા માટે નથી વોલેટ રાખવું પડતું કે નથી કાર્ડ સાથે લઈ ફરવું પડતું. કોઈ પણ વ્યક્તિ સ્માર્ટફોનમાં જ ક્રિપ્ટો કરન્સી રાખી શકે છે ને ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.

આ માન્યતા ખોટી છે.

ક્રિપ્ટો કરન્સી સ્માર્ટફોનમાં રાખી શકાય છે એ વાત સાચી પણ તેનાથી ગમે તે ખરીદી શકાતું નથી કે ગમે ત્યારે તેનો ઉપયોગ થઈ શકતો નથી. મોટા ભાગના દેશો ક્રિપ્ટો કરન્સીને સત્તાવાર ચલણ તરીકે માન્ય ગણતા નથી એ સંજોગોમાં તેનાથી કોઈ વસ્તુ ખરીદી ના શકો. ખાલી તમાર ફોનમાં પડ્યા રહે ને તેના વધેલા ભાવ જોઈને તમે ખુશ થયા કરો.

ઘણાં માને છે કે, થોડીક બુધ્ધિ ચલાવો તો મબલક કમાણી પણ કરી શકાય છે. સામાન્ય રીતે તમારી પાસે પડી રહેલાં નાણાંની કિંમત વધતી નથી. ક્રિપ્ટો કરન્સીમાં તો  ભાવ પણ વધ્યા કરે છે તેથી કમાણી પણ થાય છે.

આ માન્યતા પણ ખોટી છે.

ક્રિપ્ટોના ભાવ વધે તો પણ તેનો વાસ્તવિક રીતે કોઈ ઉપયોગ નથી કેમ કે તમે કોઈ વસ્તુ તેનાથી ખરીદી શકવાના નથી. જે લોકો પહેલી વાર ક્રિપ્ટો કરન્સી ખરીદે તેમણે નાણાં ખર્ચવાં પડે છે પણ એ વેચીને ક્યાંથી રોકડ મળશે એ કોઈને ખબર નથી. આ કારણે ક્રિપ્ટોમાં રોકાણ અંગે ભારે અનિશ્ચિતતા જ છે.

આ તો થઈ વ્યક્તિગત વાત પણ દેશ માટે તો ક્રિપ્ટો કરન્સી વધારે ખતરનાક છે.

ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ તમામ પ્રકારના ગોરખધંધા માટે થાય છે. આતંકવાદીઓથી માંડીને ડ્રગ્સનો ધંધો કરનારા સુધીના બધા ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને આર્થિક વ્યવહારો કરે છે. ક્રિપ્ટો કરન્સીમાં ક્યા વ્યવહારો થાય છે તેની ખબર કોઈને પડતી નથી તેના કારણે ગુનાખોરીને મોકળું મેદાન મળ્યું છે. ક્રિપ્ટો કરન્સીમાં બ્લેકના પૈસા પણ મોટા પ્રમાણમાં ઠલવાય છે ને એ પણ તકલીફ છે. તેના કારણે દુનિયામાં એક સમાંતર અર્થતંત્ર ઉભું થવાનો ખતરો પણ છે. ભવિષ્યમાં આ સમાંતર અર્થતંત્ર કોઈ પણ દેશના સત્તાવાર અર્થતંત્ર કરતાં મોટું થઈ જાય ને બધા વ્યવહારો તેનાથી જ ચાલે તો એ દેશ તો પતી જ જાય. આ ખતરો બહુ મોટો છે. ભારતમાં તો રીયલ એસ્ટેટથી માંડીને તમામ મોટા ધંધામાં બ્લેકનો વ્યવહાર મોટો છે. આ વ્યવહાર અત્યારે રોકડથી ચાલે છે તેથી સરકારને નુકસાન હોવા છતાં કમ સે કમ રોકડ બજારમાં ફરતી તો રહે જ છે. ક્રિપ્ટો કરન્સીનું ચલણ વધે તો બ્લેકના વ્યવહારો ક્રિપ્ટોમાં થવા માંડે તેથી બજારમાંથી રોકડ ગાયબ થઈ જાય. બજારમાંથી રોકડ ગાયબ થાય તો અર્થતંત્ર તૂટી પડે એ જોતાં ભારત માટે ક્રિપ્ટો કરન્સી ફાયદાકારક નથી જ.

આ ખતરાને જોતાં મોદી સરકાર ક્રિપ્ટો કરન્સીને માન્યતા ના આપે એ દેશના હિતમાં છે.