પાકિસ્તાન ક્રિકેટ હાલમાં આયર્લેન્ડના પ્રવાસે છે. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની તૈયારી માટે બંને ટીમો વચ્ચે ૩ મેચની ટી ૨૦ સિરીઝ રમાઈ રહી છે. આ સીરીઝ પછી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન આગામી વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એવી ટીમની યજમાની કરી શકે છે જેણે એક પણ વખત પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આ એક ઐતિહાસિક પ્રવાસ બનવા જઈ રહ્યો છે. આ પ્રવાસ માટે ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આયર્લેન્ડની પુરૂષ ટીમ પ્રથમ વખત પાકિસ્તાનના પ્રવાસ માટે તૈયાર છે. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી છે કે તેમની પુરુષ ટીમ ૨૦૨૫માં પ્રથમ વખત પાકિસ્તાનનો પ્રવાસ કરશે. આયર્લેન્ડે સોમવારે એક નિવેદન બહાર પાડીને સંકેત આપ્યો છે કે તેઓ આવતા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં શ્રેણી રમી શકે છે, જાકે શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે પીસીબી અધ્યક્ષ મોહસિન નકવી હાલ આયર્લેન્ડમાં છે. અહીં તે ક્રિકેટ આયર્લેન્ડના પ્રમુખ બ્રાયન મેકનીસને મળ્યો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો.
ક્રિકેટ આયર્લેન્ડે પાકિસ્તાન પ્રવાસ માટે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. એક અખબારી યાદીમાં, ક્રિકેટ આયર્લેન્ડના અધ્યક્ષ બ્રાયન મેકનીસે કહ્યુંઃ “અમે રાષ્ટિપતિ નકવીને ડબલિનમાં આવકારતાં આનંદ અનુભવીએ છીએ અને ખૂબ જ ફળદાયી બેઠક મળી છે. આયર્લેન્ડમાં પીસીબી અધ્યક્ષની હાજરીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તે બંને બોર્ડ વચ્ચેના મજબૂત સંબંધોનું સૂચક છે. હું ખૂબ જ ખુશ છું કે અમે આવતા વર્ષે પુરૂષોની ટુર માટે સંમત થયા હતા. વર્ષ ૨૦૨૨માં અમારી મહિલા ટીમના પાકિસ્તાન પ્રવાસ બાદ આ એક ઐતિહાસિક પ્રવાસ હશે.
આયર્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટી ૨૦ સિરીઝ હાલમાં ૧-૧ થી બરાબર છે. આયર્લેન્ડ શ્રેણીની પ્રથમ મેચ જીતવામાં સફળ રહ્યું હતું. આ સાથે જ પાકિસ્તાને બીજી મેચ જીતીને પુનરાગમન કર્યું અને શ્રેણી ૧-૧થી બરાબર કરી લીધી. હવે શ્રેણીની છેલ્લી મેચ આજે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે