સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં મોટી સફળતા મેળવી છે. સુરત અને અન્ય જિલ્લામાં ૫૦થી વધુ ચોરી કરનારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડથી ઘણી ચોરીઓના ખુલાસાઓ થયા છે.
મળતી માહિતી મુજબ સુરત પોલીસે ૫૦થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓના માસ્ટરમાઇન્ડ વિજય હિંમત મકવાણાની અઠવાલાઈન્સની ન્યુ કોર્ટ બિલ્ડીંગ પાસેથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને સોનાનું બ્રેસલેટ સહિત કુલ રૂપિયા ૨,૩૯,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પૂછપરછમાં આરોપીએ રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ આચરવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ માસમાં સુરત શહેરની ૧૮થી વધુ દુકાનોને પણ નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.