પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને દુનિયામાં કોઈ બાબત કાયમી હોય તો એ પરિવર્તન છે એવા ઘસાઈ ગયેલા સુવાકયો આપણને ઘસાઈ, કટાઈ ગયેલા મોટીવેશનલ સ્પીકરો અને સંસારમાંથી ભાગી ગયેલા બાવાઓ પાસેથી વારેવારે સાંભળવા મળી જાય છે. આ પરિવર્તન સંસારના સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક દરેક ક્ષેત્ર માટે અભિપ્રેત છે. ક્રાંતિ, આંદોલન, ચળવળ, બળવો આ બધા ઝડપી પરિવર્તન લાવવાના સાધનો છે. નીતિ, નિર્ણય, વ્યવસ્થામાં ફેરફાર એવા ઘણા બધા લાંબા ગાળાના પરિવર્તનના સાધનો છે. જે ક્ષેત્રમાં ક્રાંતિ કે આમૂલ પરિવર્તન આવે છે એ ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ વર્ગના જીવનમાં પણ આમૂલ પરિવર્તન આણે છે. ક્રાંતિ અને પરિવર્તન પેઢીઓ અને પ્રજાનો કુદરત કે સ્થાપિત વ્યવસ્થા સામેનો સુધારાઓ માટેનો તુમુલ છે. ચંદ ભાડૂત રાજકીય પીઠ્ઠુઓ હો દેકારો કરે એ આંદોલન કે ક્રાંતિ નથી. એ બખેડો છે. કમભાગ્યે ભારતમાં આવા ચૂંટણી ટાણાના બખેડાઓને આંદોલનનું નામ આપી દેવામાં આવે છે. એ ઉપરાંત ક્રાંતિ તો વાપરવામાં એ દુર્લભ શબ્દ છે. વિશ્વમાં કદાચ આજદિન સુધીમાં એકલ દોકલ ઘટનાઓ કે ઘટનાક્રમ છે જેને ક્રાંતિનું નામ આપી શકાય. ચાર ચૌદશોની વિચારધારા મુખ્યપ્રવાહથી ફંટાય અને જે ગતિવિધિ શરુ થાય એ ક્રાંતિ નથી, ક્રાંતિ શબ્દ એટલો સસ્તો નથી. કમસે કમ રાજકીય ઉદ્દેશો માટે થતા શેરીના તોફાનો માટે વાપરી ન શકાય તેટલી ગરિમા તો ધરાવે જ છે. આદિમાનવ હથિયાર તરીકે ગધેડાના હાડકાને અણીદાર બનાવીને ઉપયોગ કરતો, એ માણસે ઘડેલું પહેલું હથિયાર હતું, એ માણસની હિંસાનું કદાચ પહેલું સ્થૂળ સ્વરૂપ હતું. ઘોડો જંગલી પ્રાણી હતો. માણસે તેને કાબૂમાં કરીને વાહન વ્યવહારના સાધન તરીકે ઉપયોગમાં લેવો શરુ કર્યો. એ માણસના બીજા પ્રાણીઓના આધિપત્યનું સૂક્ષ્મ સ્વરૂપ હતું. તેનાથી પરિવહન અને યુદ્ધ બંનેને ગતિ મળી. તેવી જ રીતે સોળમી સતરમી સદીમાં વહાણ લાકડાના હતા એટલે મહદઅંશે ઓછા વજનની અને વધુ કીમત ધરાવતી વસ્તુઓનો જ વેપાર થતો. વસ્તુઓની હેરફેરમાં ખુબ મર્યાદાઓ હતી. જેથી વેપારમાં પણ તેટલી જ મર્યાદાઓ હતી. ત્યારબાદ લોખંડનો વપરાશ વહાણ બનાવટમાં થયો અને તોતિંગ જહાજો બન્યા તેના કારણે મોટી અને ભારે વસ્તુઓની હેરફેર શક્ય બની. આ પરિવર્તનનું એક પહેલું પગથીયું હતું. જે આજના વેપાર વિનિમયના આધુનિક સાધનોના પાયામાં પડ્યું છે. ટૂંકમાં દરેક મહાન પરિવર્તન પાછળ બહોળા પ્રજાવર્ગના સંઘર્ષનો લાંબો ઈતિહાસ પડેલો હોય છે. સાંજે સાત સભ્યોની કમિટી બેસે અને સવારે શેરીમાં એકસો સાત જણ દેખાવો કરવા ઉતરી પડતી જમાતો પ્રજા કલ્યાણના પરિવર્તનના ઉદેશો નથી ધરાવતી હોતી.
રાજકારણ એવું ક્ષેત્ર છે જે પોતાના અંગત સ્વાર્થ ખાતરની ચળવળને પરિવર્તન માટેના આંદોલન કે ક્રાંતિનું રેપર પહેરાવીને બજારમાં વેંચી શકે છે. જો ક્રાંતિ ઘટે તો તેનો ઈતિહાસ લખાય છે, રાજકીય કે અંગત ઉદ્દેશો સાધવા ઉભી કરાતી હલચલને ડખો કહેવાય અને એ દુર્ઘટના છે, જેના ઈતિહાસ નથી લખાતા કારણ કે એનું નિષ્પન્ન પરિવર્તન નથી હોતું. વેપારી પ્રજા ગુજરાતી તરીકે આપણે ધંધામાં સીઝનલ એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. અમુક તમુક વસ્તુ, ચીજ કે સેવાની અમુક મોસમમાં જ જરૂરિયાત ઉભી થતી હોય છે અને એટલા સમય પુરતી તેની ખપત અને વેપાર રહેતો હોય છે. જેમ કે પતંગનું બજાર કે વેપાર ઉતરાણ નિમિતે જ રહે છે, પિચકારી હોળી પર અને બિયારણની માંગ મે-જૂન મહિનામાં અને ખરીફ પાક વખતે જ ઉભી થાય છે, ચોપડાઓનું માર્કેટ ખુલતા વેકેશને વધુ રહે છે, જો કે એની તૈયારી એ સિવાયના સમયમાં કરતી રહેવી પડે છે. જેથી કરીને સિઝનમાં ધંધામાં તડાકો પડી જાય. એવી રીતે પેસિફિક મહાસાગરની ફરતે પડેલા સુષુપ્ત જવાળામુખીની “રીંગ ઓફ ફાયર”ની જેમ આંદોલનો ચૂંટણી ટાણું આવતા ઉકળવા લગતા હોય છે. ભારતમાં મોટાભાગના આંદોલનો આવા સીઝનલ હોવાનો ઈતિહાસ છે. જે આંદોલનકારીઓની છાવણીમાં રાજનેતા જઈને બેઠો એ આંદોલન પહેલેથી રાજકીય પ્રેરિત હતું અથવા હવેથી થઇ જવાનું છે. હિન્દુસ્તાનની રાજનીતિની આ તરેહ રહી છે. આંદોલનને ઘણી વખત સમસ્યા નિરાકરણ માટેના સાધન તરીકે જોવાને બદલે મતબેંકના ઉદ્દીપક તરીકે વધારે જોવામાં આવે છે. આંદોલન જો સાચી દિશામાં હોય તો આ વ્યાખ્યામાં તેને બાંધી શકાતું નથી અને જ્યાં સુધી એ પોતાના અંતિમ સુધી ન પહોચે ત્યાં સુધી એનો વેગ અને તીવ્રતા ઓછા થતા નથી. ગુજરાતમાં મહાગુજરાત આંદોલન દૃષ્ટાંત છે. એ સમગ્ર પ્રજાનું આંદોલન હતું, બહોળા ફલકના પરિવર્તન માટે હતું અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સુકાનીની દોરવણી હતી. એ ચૂંટણી ટાણાનું આંદોલન નહોતું, એ ખરા અર્થમાં વાજબી મુદ્દાનું જન આંદોલન હતું. આંદોલન સાથે રાજનીતિ તરત જોડાય જાય એવી પ્રણાલી આપણે ત્યાં અમલમાં છે. રાજનીતિ જોડાતા આંદોલનની દિશા અને દશા બંનેમાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. ભારતમાં નાનામોટા રાજકીય કે બિનરાજકીય સંગઠનો કે જૂથ દ્વારા સરકાર સામે કોઈ માંગ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેને આંદોલનનું નામ આપી દેવામાં આવે છે. આંદોલનની વ્યાખ્યા વ્યાપક અને બહોળી છે. જે કોઈ વિચાર, મોટા પ્રજાવર્ગને આંદોલિત કરે તે આંદોલન છે. કોઈ વ્યવસ્થા ખોરવી નાખવી એ આંદોલન નથી, કોઈ વ્યવસ્થા ઉભી કરવા થતી પ્રવૃત્તિ આંદોલન છે. ભારતની પ્રજાએ ક્રાંતિ, આંદોલન, ચળવળ, બખેડો, ડખો, તોફાન જેવા શબ્દો વચ્ચેનો ભેદ પારખવાની વિવેકબુદ્ધિ કેળવવાનો સમય પાકી ગયો છે. વિશ્વરાજ્ય, વિશ્વશાંતિ માટે પાયાની જરૂરિયાત ધર્મ અંગેની ક્રાંતિ છે. કેન્દ્રમાં ભગવાનને મુક્યા વગર છૂટકો નથી. – આર્નોલ્ડ ટોયેન્બી