ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ભારતને એવી લોકશાહી તરીકે કલ્પના કરવામાં આવી ન હતી જ્યાં ન્યાયાધીશો કાયદા બનાવે અને કારોબારી જવાબદારી સંભાળે અને “સુપર પાર્લામેન્ટ” તરીકે કાર્ય કરે. ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો જેમાં રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે રાષ્ટ્રપતિને નિર્ધારિત સમયમાં નિર્ણય લેવાનું કહેવામાં આવી રહ્યું છે.
રાજ્યસભાના તાલીમાર્થીઓના કાર્યક્રમને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, ‘તાજેતરના એક નિર્ણયમાં, રાષ્ટ્રપતિને એક નિર્દેશ આપવામાં આવ્યો છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દેશમાં શું થઈ રહ્યું છે? આપણે આ બાબતે ખૂબ જ સંવેદનશીલ રહેવાની જરૂર છે. અમે આ દિવસની કલ્પના પણ નહોતી કરી કે જ્યાં રાષ્ટ્રપતિને નિર્ધારિત સમયમાં નિર્ણય લેવાનું કહેવામાં આવશે અને જા તેઓ નિર્ણય નહીં લે તો કાયદો ઘડવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ‘હવે ન્યાયાધીશો કાયદાકીય બાબતો પર નિર્ણય લેશે.’ તેઓ કારોબારી જવાબદારી સંભાળશે અને એક સુપર પાર્લામેન્ટ તરીકે કાર્ય કરશે. તેમના માટે કોઈ જવાબદારી રહેશે નહીં કારણ કે આ દેશનો કાયદો તેમના પર લાગુ પડતો નથી.
પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ધનખડે કહ્યું, ‘મેં મારા જીવનમાં ક્યારેય આવા દિવસની કલ્પના કરી નહોતી.’ તેમણે કહ્યું કે ‘રાષ્ટ્રપતિ દેશનું સર્વોચ્ચ પદ છે. રાષ્ટ્રપતિ બંધારણના રક્ષણ માટે શપથ લે છે. જ્યારે સાંસદો, મંત્રીઓ, ઉપરાષ્ટ્રપતિ અને ન્યાયાધીશોએ બંધારણનું પાલન કરવું પડશે. અમે એવી પરિસ્થિતિ નથી ઇચ્છતા કે જ્યાં રાષ્ટ્રપતિને સૂચનાઓ આપવામાં આવે. તમને બંધારણની કલમ ૧૪૫ (૩) હેઠળ જ બંધારણનું અર્થઘટન કરવાનો અધિકાર છે અને તે પણ ફક્ત પાંચ કે તેથી વધુ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ દ્વારા જ કરી શકાય છે.