ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ મુકામે આવેલી આઇ.ટી.આઇ. ખાતે ૮ નવા થિયરી વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. ૧.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ વર્ગખંડો શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સવલતો પૂરી પાડશે અને વિદ્યાર્થીઓને વધુ આધુનિક તથા સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. આ નવા થિયરી વર્ગખંડો દ્વારા સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને પૂરતી બેઠક વ્યવસ્થા, ગુણવત્તાસભર શૈક્ષણિક માહોલ અને વિવિધ વ્યવસાયલક્ષી વિષયોના અભ્યાસ માટે વધુ સગવડતા મળશે.આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ગખંડોના નિર્માણથી તાલીમાર્થીઓને આધુનિક કૌશલ્ય શિક્ષણની સુવિધાઓનો લાભ મળશે અને શિક્ષણની ગુણવત્તા સુધરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારના
નેતૃત્વમાં અમરેલી જિલ્લો તથા કુંકાવાવ-વડિયા તાલુકો વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગ્રામ્ય ઉત્થાન અને ખેડૂતોના મુદ્દે સરકાર સતત કાર્યરત છે અને કુંકાવાવ પંથકની ‘સૌની યોજના’ની પાણીની માગ પણ આગામી દિવસોમાં ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મંત્રીએ
આઇ.ટી.આઇ.ના માધ્યમથી યુવાનોને પગભર કરવા બદલ સંસ્થાના આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ભૂતકાળની શૈક્ષણિક અગવડતાઓ યાદ કરતા તેમણે જણાવ્યું કે આજે સરકારના હકારાત્મક અભિગમને કારણે કુંકાવાવ તાલુકામાં ૪ શાળાના નવા મકાનો તૈયાર થયા છે, જે વિદ્યાર્થીઓનો શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલશે.









































