સરકારે ડૂબમાં જતી જમીનનું સંપાદન કરવા અને નવો રસ્તો બનાવવા મંજૂરી આપી

કામ પૂર્ણ થતા ડેમમાં વધારાનું ૪૬.૩૪ % પાણી સંગ્રહી શકાશે

અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના પ્રયાસથી ઠેબી સિંચાઈ યોજનાને પૂર્ણ સપાટીએ ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઠેબી સિંચાઈ યોજનામાં ૧૨૬ એફ.આર.એલ. મીટર સુધી પાણી ભરવામાં આવે તો બિનસંપાદિત જમીનમાં ઊભેલા હયાત પાકને ભારે નુકસાન થાય. એટલે આ જમીનનું સંપાદન કરવું જરૂરી બને છે. જો આવી જમીનનું સંપાદન ન થાય તો જે હેતુ માટે સિંચાઈ યોજના બની હતી એ હેતુ મુજબ પાણીનો પૂરતો સંગ્રહ ન થાય. જો આ ડેમને પૂર્ણ સપાટીએ ભરવામાં આવે તો આ ડેમમાં વધારાનું ૪૬.૩૪% વધુ પાણીનો સંગ્રહ કરી શકાય. ડેમને પૂર્ણ સપાટીએ ભરવા માટે અમરેલી તાલુકાના ગિરિયા અને બક્ષીપુર જેવા ગામડાઓની ૧૭.૨૫ હેક્ટર જેટલી જમીનનું સંપાદન કરવું પડે. જે માટે ધારાસભ્ય વેકરીયાએ આ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાને ભારપૂર્વક રજૂઆત કરેલ. જેને ધ્યાને લઈ જળસંપત્તિ વિભાગે જરૂરી જમીન સંપાદન કરી, ડેમને પૂર્ણ કક્ષાએ ભરવા જરૂરી મંજૂરી આપેલ છે. આથી આગામી દિવસોમાં ડૂબમાં જતી રૂ.૧૩ કરોડ ૬૦ લાખના ખર્ચે જમીનનું સંપાદન કાર્ય હાથ ધરશે. આ કામ પૂર્ણ થતા ડેમમાં વધારાનું ૪૬.૩૪ % પાણી સંગ્રહી શકાશે. ઘણા વર્ષોથી ઠેબે ચડેલ ઠેબી ડેમનો આ પ્રશ્ન ઉકેલાતા આ વિસ્તારના લોકો અને ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે.