અમરેલી શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ ઠેબી નદીના કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે કુલ રૂ. ૧૧૦.૩૪ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસોને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે.આ પહેલાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦.૦૩ કરોડની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વધારો કરીને કુલ રકમ રૂ. ૧૧૦.૩૪ કરોડ સુધી પહોંચાડવામાં આવી છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સોમનાથ મહાદેવ મંદિર બ્રિજથી કામનાથ બ્રિજ સુધી આશરે ૦.૯૫ કિ.મી. વિસ્તારમાં રિવરફ્રન્ટ વિકાસ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળ નદીના કિનારાને સુંદર અને આધુનિક બનાવવામાં આવશે, જેમાં વોકિંગ ટ્રેક, ગાર્ડનિંગ, બેસવાની વ્યવસ્થા અને આકર્ષક લાઇટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત નદીના કિનારે પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે, જે શહેરના પર્યાવરણ માટે લાભદાયક સાબિત થશે.મંત્રી વેકરિયાએ જણાવ્યું હતું કે, “અમરેલીના નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવી અમારી પ્રાથમિકતા છે. ઠેબી રિવરફ્રન્ટથી શહેરને નવી ઓળખ મળશે અને વિકાસને નવી દિશા મળશે.” તેમણે આ મંજૂરી બદલ રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રોજેક્ટને કારણે શહેરના વેપારીઓ, સામાજિક આગેવાનો અને નાગરિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.