અમરેલી-કુંકાવાવના ગ્રામ્ય પંથકને દિવાળીમાં વિકાસ કાર્યોની ભેટ મળી
અમરેલી,તા.ર૯
અમરેલી તાલુકાના મોણપુર-ચિતલ અને કુંકાવાવ તાલુકાના દેવગામ-જીથુડીને આશરે રૂ. ૧૨ કરોડના વિકાસ કાર્યોની દિવાળીમાં ભેટ મળી છે. અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી-કુંકાવાવ પંથકની વર્ષો જૂની માંગણી સરકારમાંથી મંજૂર કરાવી છે. અમરેલીના મોણપુર ગામને ચિતલ રેલવે સ્ટેશન સાથે જોડતા રોડનું કામ તથા કુંકાવાવ તાલુકાના દેવગામ-જીથુડી રોડ એમ બન્ને નોન પ્લાન રસ્તાના કામ માટે કુલ ૧૨ કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાવી છે. આયોજન બહારના આ રસ્તાઓની કામગીરીને ખાસ યોજના હેઠળ રાજયના મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોણપુર ગામને ચિતલ રેલવે સ્ટેશન સાથે જોડતા રોડનું માટીકામ, મેટલિંગ, સ્પીલ સેક્શન, સી.સી.રોડ, નાળાનું કામ, સ્લેબ ડ્રેઈન તથા પ્રોટેકશન દિવાલનું ૧ કિ.મી.નું કામ રૂપિયા ૪ કરોડ ૫૦ લાખની રકમ સાથે મંજૂર કરવામાં આવ્યું છે. એ જ રીતે કુંકાવાવ તાલુકાનાં દેવગામ જીથુડી રોડનું માટીકામ, મેટલીંગ, ડામર રોડ, નાળાકામ તથા પ્રોટેકશન દિવાલ સાથેનું ૭ કિ.મી. રોડનું કામ રૂપિયા ૭ કરોડ ૫૦ લાખની રકમ સાથે મંજૂર કરવામાં આવ્યું છે.