ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમના કેટલાક જૂના નિવેદનોથી અજાણતામાં વિરાટ કોહલી સાથેના તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. એક પોડકાસ્ટમાં, ઉથપ્પાએ કોહલીની કેપ્ટનશીપ શૈલી અને અંબાતી રાયડુ અંગે લેવામાં આવેલા નિર્ણયની ટીકા કરી હતી. વાસ્તવમાં, અંબાતી રાયડુને ૨૦૧૯ વનડે વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, જ્યારે તે લાંબા સમયથી ભારત માટે નંબર-૪ પોઝિશન માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. તેના સ્થાને, પસંદગીકારોએ વિજય શંકરનો સમાવેશ કર્યો હતો અને તેને ૩ડી ખેલાડી કહીને આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તે પોડકાસ્ટમાં, ઉથપ્પાએ રાયડુ તેમજ યુવરાજ સિંહ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. યુવરાજને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેણે ૨૦૧૯ માં વિદાય મેચ રમ્યા વિના નિવૃત્તિ લીધી હતી.
તાજેતરમાં તેની યુટ્યુબ ચેનલ પર, ઉથપ્પાએ સ્પષ્ટતા કરી હતી કે તેનો કોહલી પર ટિપ્પણી કરવાનો કોઈ ઇરાદો નહોતો. તેણે કહ્યું કે તે વાતચીતનો હેતુ વિરાટ વિશે વાત કરવાનો નહોતો. ઇન્ટરવ્યૂ તેના વિશે હતો, પરંતુ જ્યારે તેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો. તે સમયે તેને લાગ્યું ન હતું કે આનાથી વિરાટ સાથેના તેના સંબંધો પર અસર પડી શકે છે. તેની અને વિરાટની મિત્રતા પર તે નિવેદનથી અસર પડી હતી. પાછળથી તેને ખ્યાલ આવ્યો કે તેણે વિરાટ કોહલી સાથે ખાનગીમાં વાત કરવી જાઈતી હતી.
૨૦૦૭ ના ટી ૨૦ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ આગળ કહ્યું કે આ ઘટના તેના માટે એક મહત્વપૂર્ણ પાઠ સાબિત થઈ. તેણે વિરાટ સાથેનો પોતાનો અનુભવ શેર કર્યો નહીં, પરંતુ તેના નજીકના મિત્રના અનુભવ વિશે વાત કરી. દરેકની પોતાની કેપ્ટનશીપ શૈલી હોય છે અને દરેકને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. પરંતુ તેને લાગ્યું કે ઓછામાં ઓછું વિરાટ સાથેના તેના સંબંધોને ધ્યાનમાં લેતા, તેણે રાષ્ટ્રીય ટેલિવિઝન પર તેના વિશે વાત કરવાને બદલે પહેલા તેની સાથે વાત કરવી જાઈતી હતી. આ તેના માટે એક પાઠ હતો.