રાજુલા તાલુકાના કોવાયા-લોઠપુર વચ્ચે છેલ્લાં ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. કોવાયાથી લોઠપુર સુધીના રસ્તાની અત્યંત જર્જરિત હાલતને કારણે છેલ્લા સાત દિવસમાં ત્રણ અકસ્માત થયા છે, જેમાં બુધવારના રોજ રાત્રે ૯ઃ૩૦ કલાકે એક ગંભીર અકસ્માતમાં જૂની બારપટોળી ગામના કનુભાઈ લાખાભાઈ લાખણોત્રાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સમગ્ર કોવાયા, લોઠપુર અને ઔદ્યોગિક ક્ષેત્રના કર્મચારીઓમાં ભારે શોક વ્યાપી ગયો હતો. આ રોડનું સમારકામ ઘણાં વર્ષોથી થયું નથી. ત્રીસ કિલોમીટર દૂરથી આવતા કામદારોને ખાનગી કંપનીઓમાં નોકરી માટે અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ૭ કિલોમીટરના આ રસ્તાને કાપવામાં પણ પોણો કલાક જેટલો સમય લાગે છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ધ્યાન આપતા નથી. ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી, આ રોડનું સમારકામ કરવા ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે. જા આ માર્ગ બનાવવામાં નહી આવે તો કોન્ટ્રાક્ટર કામદાર પ્રતિનિધિ નનાભાઈ બી. લાખણોત્રાએ “રસ્તા રોકો” આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.





































